રાજકોટમાં મહાત્માં ગાંધી જ્યાં ભણેલા તે સ્કૂલના વિદ્યાર્થીઓને હવે અન્યત્ર ખસેડાશે, સ્કૂલમાં મ્યૂઝિયમ બનશે
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન જ્યાં સૌથી વધુ સમયગાળો પસાર કર્યો એવી બ્રિટીશરાજના સમયની સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપતી સ્કૂલ હવે મ્યુઝિયમ બનશે. કમિશનર વિજય નેહરાના જણાવ્યા અનુસાર આફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજીના વિદ્યાર્થીકાળના ઘણા સંભારણાઓ સચવાયેલા છે. વિદ્યાર્થીઓને આ શાળામાંથી હવે અન્યત્ર જવાનો અફસોસ છે. તે ઉપરાંત વાલીઓ પણ અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે.
રાજકોટની ૧૬૨ વર્ષ જુની અને મહાત્મા ગાંધી જ્યાં હાઈસ્કૂલનું શિક્ષણ લીધું હોવાથી દેશ-વિદેશમાં જાણીતી અને અત્રે જ્યુબિલી બાગ પાસે આવેલી મોહનદાસ ગાંધી વિદ્યાલયને હવે સ્કૂલ તરીકે નહીં પણ મહાત્મા ગાંધીના સંભારણા તાજા થાય તેવા સંગ્રહસ્થાન તરીકે વિકસાવવા મનપાએ આજે ઠરાવ કર્યો છે. આ ઐતહાસિક અને ભવ્ય ઈમારત રાજ્ય સરકાર હસ્તક છે અને મનપાએ રાજ્ય સરકાર પાસે આ બિલ્ડીંગનો કબજો માંગ્યો છે. આ અંગે પુરાતત્વ ખાતા સાથે પરામર્શ પણ થયાનું જાણવા મળે છે. આ શાળાને નવું રૂપ આપવા અને ‘મોહનદાસથી મહાત્મા’ની સફરને દર્શાવતા વૈશ્વિક કક્ષાના સંગ્રહસ્થાનમાં તેને તબદીલ કરવાની દરખાસ્ત મ્યુનિ.કમિશનરે કરી હતી જેના પર સ્થાયી સમિતિએ આજે મંજુરીની મ્હોર મારી હતી.
આ કામગીરી માટે પ્રાથમિક તબક્કે રૂપિયા ૫ કરોડનો ખર્ચ પણ મહાપાલિકાએ આજે મંજુર કરી દીધો છે તેમ આસિ.મ્યુનિ.કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું. આ પહેલા ઈ.સ.૨૦૦૧ના ભૂકંપ બાદ જર્જરિત થયેલ આ સ્કૂલમાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન પણ કરાયેલું છે. વિદેશીઓ અહીં તેની ભવ્યતા કે ઝાકમઝોળ જોવા માટે નહીં પણ વિશ્વવિભુતિ મહાત્મા ગાંધીએ જ્યાં શિક્ષણ લીધું તે સ્થળ કેવું છે તે જીજ્ઞાસા સાથે જોવા આવે છે. સ્કૂલના સૂત્રો અનુસાર તાજેતરમાં કેનેડાના એક વ્યક્તિ આવ્યા હતા જેઓ ૧૯૪૨માં પણ અહીં આવ્યા હતા. ગાંધીજીની ઓરીજીનલ માર્કશીટ, હસ્તાક્ષરો સહિતના દસ્તાવેજો હજુ પણ અહીં સચવાયેલા છે. નિયમિત રૂપે વિદેશીઓ અહીં આવતા રહે છે.
આ મ્યુઝિયમના માધ્યમથી મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા વગેરે આદર્શોને વધુમાં વધુ લોકો સમક્ષ મૂકી શકાશે તેમજ તેમાંથી લોકો પ્રેરણા લઈને આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકશે. એટલું જ નહીં પરંતુ આ મ્યુઝિયમ દેશ અને વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા માટે રાજ્ય સરકારની જરૂરી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ આ કામ માટે આશરે રૂા.પાંચ કરોડનો ખર્ચ કોર્પોરેશનને કરવાનો રહે છે.
સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજના જણાવ્યાનુસાર ભવિષ્યમાં નિર્માણ પામનારા આ ગાંધી મ્યુઝિયમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડિઝીટલ લાયબ્રેરી જેવા પ્રોજેક્ટ કાર્યરત કરાશે. આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીના જીવન દરમિયાન એકત્ર કરાયેલી અને ઉપયોગમાં લેવાયેલી ચીજવસ્તુઓ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ અને ભક્ત કવિ નરસિંહ મહેતાના સંભારણાઓ પણ રાખવામાં આવશે. હાલ આ બિલ્ડીંગમાં બેસતી સ્કૂલ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું અન્યત્ર સ્થળાતંર કરવામાં આવશે.