શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2017 (15:22 IST)

અદાણીને કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ ના પરવડતાં ગુજરાતમાં વીજ કટોકટી શક્ય: વિજય રૂપાણીએ પીએમને પત્ર લખ્યો

ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે રાજ્યમાં વીજળીની કટોકટી પેદા થવાની શક્યતા છે કારણ કે અદાણી પાવરે જણાવ્યું છે કે મુંદ્રાનો આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ તેને પરવડે તેમ નથી. અદાણી પાવર મુંદ્રા પ્લાન્ટ માટે ઇન્ડોનેશિયાના આયાતી કોલસાનો ઉપયોગ કરે છે. કોલસાનો ભાવ વધવાથી કંપનીએ વીજદરમાં વળતરની માંગણી કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ગયા મહિને ફગાવી દીધી હતી.

નાણા મંત્રાલયના એક અધિકારી સહિત બે અધિકારીઓએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ર લખીને જણાવ્યું છે કે આ મુદ્દો તાત્કાલિક નહીં ઉકેલાય તો ગુજરાતમાં વીજ કટોકટી પેદા થશે. એક અધિકારીએ જણાવ્યું કે, “આ પત્રમાં અમને જણાવાયું છે કે અદાણી પાવરે રાજ્ય સરકારને કહ્યું છે કે મુંદ્રા પ્લાન્ટ ચલાવવો સતત મુશ્કેલ બનતું જાય છે. અમે કયા પ્રકારની મદદ કરી શકીએ તે વિચારવું પડશે. જરૂર પડે તો અમે માર્ગદર્શન આપી શકીએ.” પાવર, કોલસો અને રિન્યુએબલ ઉર્જા મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આ બાબતનો ઉકેલ રાજ્ય સરકાર અને ઉર્જા નિયમનકારે લાવવાનો હોય છે. નાણા મંત્રાલયના અધિકારીએ કહ્યું કે જરૂર પડશે તો પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઉર્જા અને કોલસા મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અદાણી પાવરે 2.35 પ્રતિ યુનિટના ભાવે 1000 મેગાવોટ વીજળીના પૂરવઠા માટે 2006માં ગુજરાત રાજ્ય વીજ વિતરણ કંપની સાથે કરાર કર્યા હતા. અદાણી પાવર અને ટાટા પાવરે ઇન્ડોનેશિયામાં કાયદો બદલાવાથી કોલસો મોંઘો થવાના કારણે વિતરણ કંપનીઓ પાસેથી વળતરની માંગણી કરી હતી. 11 એપ્રિલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વિદેશમાં કાયદો બદલાવાથી કોલસાનો ભાવ વધે તેને પીપીએ હેઠળ કાયદાનો ફેરફાર ગણી ન શકાય. નોમુરા મુજબ અદાણી પાવરે ડિસેમ્બર 2016 સુધીમાં ₹4400 કરોડના વળતરદાયક ટેરિફમાંથી 80 ટકા હિસ્સો માંડવાળ કરવો પડશે જેને તેણે આવકનો હિસ્સો ગણાવ્યો હતો. એક અધિકારીએ કહ્યું કે આ ટકાવવા માટે સક્ષમ ન હોય તો ધિરાણકારો મેનેજમેન્ટમાં ફેરફાર કરવા વિચારી શકે છે.”