અમદાવાદ સહિત રાજ્યભરમાં કેમિસ્ટોની હડતાળ. દર્દીઓ દવા વિના રઝળ્યા
અમદાવાદ સહિત રાજ્યભરના મેડિકલ સ્ટોરધારકો આજે એક દિવસની હડતાળ પર ઊતરી જતાં લાખો દર્દીઓ આજે દવા વગર રઝળી પડયા છે. અમદાવાદ સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટોર ખુલ્લા રહેતાં સરકારી હોસ્પિટલના અને મેડિકલ સ્ટોર પર દર્દીઓનો ધસારો વધી ગયો હતો. અનેક લોકો દવા મેળવવા માટે દૂર દૂર સુધી રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. હડતાળના કારણે મેડિકલ સ્ટોર બંધ રહેતાં દર્દીઓને મુશ્કેલી પડી હતી.
એક માત્ર સરકારી મેડિકલ સ્ટોર લોકોનો આશરો બનતાં વીએસ, એલજી, સિવિલ હોસ્પિટલ સુધી લોકો પહોંચ્યા હતા. જોકે ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ હડતાળ પહેલાં પૂરતો સ્ટોક કરી લેતાં ખાનગી હોસ્પિટલોમાં સારવારઅર્થે રહેલા દર્દીઓને પ્રમાણમાં ઓછી મુશ્કેલી પડી રહી છે. ઓનલાઇન દવાઓનાં વેચાણ, રિટેલરના માર્જિનમાં ઘટાડો અને ઇ-પોર્ટલ પર દવાઓનાં વેચાણની વિગતો અપલોડ કરવાના વિરોધમાં અમદાવાદના પ,૦૦૦થી વધુ સહિત દેશભરના નવ લાખ સ્ટોર્સ આજે બંધ રહ્યા છે. ઓનલાઇન દવાને લઇને કોઇ કાયદો બન્યો નથી, પરંતુ તેઓ અમલ શરૂ થઇ ગયો છે. વારંવારની માગ છતાં સરકાર દ્વારા કોઇ પ્રતિસાદ નહીં મળતો હોવાનું રિટેલર એન્ડ િડસ્ટ્રિબ્યૂટર્સ એન્ડ કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ સંદીપ નાગિયાએ જણાવ્યું હતું. સરકારની નવી ગાઇડલાઇન મુજબ તમામ રિટેલરે તેમની દવાની વિગત ઇ-પોર્ટલ પર મૂકવી પડશે. જીએસટી લાગુ થયા પહેલાં ઇ-પોર્ટલ સિસ્ટમ લાગુ પડતાં બે ચાર ગોળી વેચતા રિટેલર દરેક વેચાણ અપડેટ કેવી રીતે કરશે. જેમની પાસે કમ્પ્યૂટર નથી. આ સંજોગોમાં નાના દુકાનદારોને દુકાન બંધ કરવી પડે તેવી હાલત હોવાના ઉપરોકત તમામ કારણસર દેશભરના મેડિકલ સ્ટોર્સ માલિકો આજે એક દિવસની હડતાળ પર રહેતાં તમામ ખાનગી મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા છે. ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસીએશનના સેક્રેટરી પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે દવાના વેપારીઓનો ધંધો મુશ્કેલ થયો છે. સરકારે ડ્રાફટ કરેલા નિયમોમાં ૪૦ ટકા રકમ વળતર આપવા કહ્યું છે.