રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 જૂન 2017 (17:44 IST)

શંકરસિંહના કોંગ્રેસ વિરોધી ભાષણને મુળ કોંગ્રેસીઓ ના પચાવી શક્યા, નોટીસ ફટકારવાની રજુઆત કરી હોવાની ચર્ચાઓ

ગાંધીનગર ખાતે શકિત પ્રદર્શનમાં શંકરસિંહ વાઘેલાએ કરેલી  વાતો મૂળ કોંગ્રેસીઓના પેટમાં પચી નથી. બાપુ કયા અધિકારથી જાહેરમાં ગેરશિસ્ત સાથે ગમે તેવી વાતો ઉચ્ચારી રહ્યા છે ? તેવા પ્રશ્ન સાથે ગુજરાતના સંખ્યાબંધ આગેવાનોએ મોવડી મંડળ સમક્ષ બાપુને નોટીસ ફટકારવી જોઈએ અથવા શિસ્તમાં જ રહેવા સમજાવવા જોઈએ તેવી રજૂઆતો કરતા સંદેશા દિલ્હી સુધી ધણધણતા થયાનું ચર્ચાય છે. ગુજરાતના મુખ્ય આગેવાનોમાં જેમની ગણના થાય છે. તેવા આગેવાનો પણ બાપુના અગડમ-બગડમથી દ્વિધામાંથી મુકાઈ ગયા

છે. શકિત સંમેલનમાં બાપુએ યુપીની ચૂંટણીમાં માર ખાધો છતા કોંગ્રેસ સમજતી નથી તેવી વાતને મૂળ કોંગ્રેસીઓ પક્ષ વિરોધી પ્રવૃતિનું નામ આપીને આ વિધાનો કોંગ્રેસની આબરૂને નુકશાનકર્તા છે તેમ કહીને ખાનગીમાં નારાજગી વ્યકત કરી રહ્યા છે. ટૂંકમાં બાપુએ શકિત સંમેલનમાં કરેલા વિધાનોને ગંભીરતાથી લઈને ચોક્કસ મૂળ કોંગ્રેસીઓ મોવડી મંડળ સમક્ષ રજૂઆતોનો ધોધ વહાવી રહ્યા છે કે હાઈકમાન્ડે ગેરશિસ્ત અને પક્ષવિરોધી પ્રવૃતિ સામે આકરા નિર્ણયો લેવા જ પડે. બાપુને પણ તેમણે કરેલા વિધાનો અંગે નોટીસ આપવી જોઈએ તેવી ખાનગીમાં કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે. ગયા શનિવારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં સમર્થકો સમક્ષ કોંગ્રેસ હાઇકમાન્ડ પર આક્ષેપોની તડાફડી બોલાવનાર પક્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાદ્યેલા આગામી તા.૧ જુલાઇ પછી પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા દિલ્હી જવાના છે. આગામી વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચેનો કલહ શાંત પડવાના બદલે વધી રહ્યો છે. ગાંધીનગરમાં શંકરસિંહ વાદ્યેલાએ પોતાના સમર્થકોનુ સંમેલન યોજીને જે પ્રકારે હાઇકમાન્ડ સામે દોષારોપણ કર્યું તેનાથી પક્ષનંુ આંતરિક રાજકારણ ખળભળી ઊઠ્યું છે. ગાંધીનગરના શકિત પ્રદર્શન બાદ હાલમાં શંકરસિંહ વાઘેલા જૂથ 'વેઇટ એન્ડ વોચ'ની ભૂમિકામાં છે, જોકે આગામી તા.૧ જુલાઇ પછી શંકરસિંહ વાઘેલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા જવાના છે. શંકરસિંહના શકિત પ્રદર્શનથી મૂંઝવણમાં મુકાઈ ગયેલા પ્રદેશ હાઇકમાન્ડે આગામી તા.ર૮ જૂનનું પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતનું સંમેલન તો રદ કર્યું છે, પરંતુ પ્રદેશ હાઇકમાન્ડ પણ શંકરસિંહની રાહુલ ગાંધી સાથેની ૧ જુલાઇ પછી યોજાનારી સંભવિત બેઠકના પરિણામ પર મીટ માંડીને બેઠું છે.