ઉત્તર ગુજરાતના આ ગામમાં દારૂબંધી મુદ્દે કડકાઈ ભર્યું વલણ, દારૂ પીને ઘૂસ્યા તો દંડની જોગવાઈ
ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી ખરેખર હાસ્યાસ્પદ ઘટના છે. સરકાર ગમે તેટલા કાયદા તૈયાર કરે તોય આ દારૂબંધીને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. ત્યારે સરકારને ઉત્તર ગુજરાતના એક ગામડાએ ભારે નિયમોથી જડબાતોડ જવાબ આપ્યો છે. આ ગામે સરકારને કંઈ કરી બતાવીને જણાવ્યું છે કે સરકાર નહીં કરે તો અમે તો એવું કંઈક કરવા સક્ષમ છીએ. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ‘મોટા’ ગામમાં 70 ટકા વસતી ઠાકોર સમાજની છે. આ ગામમાં 17 વર્ષ પહેલાં દારૂની બદીનો ત્યાગ કરાયો હતો અને કોઇ દારૂ પીને પકડાય તો તેને પાંચસો રૂપિયા દંડની જોગવાઇ કરાઇ હતી.
આ ગામના મોટાભાગના યુવાનો આર્મી અને પોલીસમાં નોકરી કરે છે. આ ગામમાં અંદાજે 1000 જેટલા પરિવારો રહે છે. આજના જમાનામાં દારૂની બદી રોકવા ઠાકોર સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે મોટા ગામમાં તો વર્ષો પહેલાં દારૂની બદીનો ત્યાગ કરાયો હતો. આ ગામમાં ઘર દીઠ એક-બે વ્યક્તિ નોકરીયાત છે. જેમાં આર્મીમાં અત્યારે અંદાજે 120 આસપાસ જવાનો અને પોલીસમાં 50 ઉપરાંત જવાનો દેશ સેવા કરે છે. જેમાં રાજપૂત સમાજના યુવાનો વધારે છે. તેમજ શિક્ષકો, બેન્ક અધિકારી, સેલટેક્ષ અધિકારીઓ છે.