શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (13:59 IST)

ધારાસભ્યો બાદ ભાજપના નિશાન પર કોંગ્રેસની પાલિકા-પંચાયતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ૩ મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે હવે કોંગ્રેસને સ્થાનિક કક્ષાએ ભાંગવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યુ છે. રાજ્યસભાની ચૂંટણી પછી ગઈકાલે પ્રથમ ભંગાણ અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકા પંચાયતમાં કરાવ્યુ છે.ત્યાં શાસક કોંગ્રેસના બહુમતી સભ્યો ભાજપમાં જોડાતા પંચાયતમાં સત્તા પરિવર્તન થઈ ગયુ છે. ૧૮૨ બેઠકો પૈકી ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા ભાજપે કોંગ્રેસને તમામ સ્તરે તોડવા માટે અભિયાન ઉપાડવાનું નક્કી કર્યુ છે.

કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોના રાજીનામા અપાવી દીધા છે. રાજ્યસભામાં ૩ બેઠકો જીતવાનું સપનુ પૂરૂ ન થવા છતાં ધારાસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વેરવિખેર કરવાનું ભાજપનું સપનુ છે. ૨૦૧૫ની પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ૨૩ જિલ્લા પંચાયતોમાં તેમજ ૧૫૦થી વધુ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો વિજય વાવટો લહેરાયો હતો. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની કામગીરી વિધાનસભાની ચૂંટણીમાં અસર કરતી હોય છે. પાલિકા પંચાયતોમાં કોેંગ્રેસમાં મોટાપાયે ભંગાણ કરાવવામાં આવે તો કોંગ્રેસ ચૂંટણી પહેલા જ તૂટી રહી છે તેવો મેસેજ આપવામાં ભાજપ સફળ થાય. તાલુકા-જિલ્લા પંચાયતો પણ કોંગ્રેસ સાચવી શકતી નથી તો સરકાર કેવી રીતે સાચવશે ? તેવુ લોકોને વિચારતા કરવાનો ભાજપનો ઈરાદો દેખાય છે. હવે તાલુકા જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસમાં પ્રવર્તતા અસંતોષનો લાભ લઈ કોંગી સભ્યોને 'વિવિધ' રીતે સમજાવી ભાજપ તરફ વાળવાનો પ્રયાસ રહેશે. ટૂંક સમયમાં જ ભાજપનો પ્રયાસ કોંગ્રેસ શાસિત તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં બળવા કરાવવાનો છે. રાજકોટ જિલ્લા પંચાયત પણ ભાજપના નિશાન પર છે.