સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:41 IST)

નિષ્ક્રિય રહેલા સંગઠનથી અમિત શાહે હોદ્દેદારો પર રોષ ઠાલવ્યો

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને નાણાંમંત્રી અરૃણ જેટલી વચ્ચે રવિવારે મોડી સાંજે કમલમમાં બેઠક થઇ હતી. કોર ટીમ સાથે થયેલી આ બેઠકમાં સંગઠનની નિષ્ક્રિયતા સામે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, બેઠકમાં હાજર હોદ્દેદારોને ખખડાવ્યાં હતાં. આનંદીબેન- અમિત શાહ જૂથ સામસામે હોઇ સંગઠનમાં કાર્યકરો કામ કરવા જ તૈયાર નથી. સૂત્રોના મતે,વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે બેઠકોનો ધમધમાટ શરૃ કર્યો છે. આજે મોડી સાંજે કમલમમાં અમિત શાહ-અરૃણ જેટલીએ કોર ટીમ સાથે બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને પાટીદારોની નારાજગી, સરકાર વિરૃધ્ધ લોકોનો રોષ(એન્ટીઇન્કમ્બન્સી),જીએસટી,નોટબંધી,મંદીના માહોલથી વેપારી-ઉદ્યોગકારોની કફોડી દશા. આ બધાય ફેક્ટર ભાજપને આ વખતે નડી શકે છે. ૨૨ વર્ષના શાસન બાદ લોકો હજુય ભાજપ તરફી કેવી રીતે આકર્ષાય તે માટે બેઠકમાં મહામંથન કરાયુ હતુ. કોરટીમે પ્રેઝન્ટેશન કરી ચૂંટણી રણનિતીનો અંદાજ આપ્યો હતો. બેઠકમાં સંગઠન ઉપરાંત સોશિયલ મિડીયાની ટીમની નિષ્ક્રીય કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરીને અમિત શાહે હોદ્દેદારોને ઠપકો આપ્યો હતો. આનંદીબેન પટેલ સાથેની જૂથબંધીને પગલે ભાજપમાં બે ઉભા ભાગલાં પડયાં છે પરિણામે સંગઠન અત્યારે જાણે સુશુપ્ત અવસ્થામાં હોય તે લાગી રહ્યુ છે.સંગઠનના કાર્યકરોને વધુ સક્રિય બનાવવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત નવા ચૂંટણીલક્ષી સૂત્રો સાથે લોકોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવાના આયોજન બેઠકમાં રજૂ કરાયા હતાં.