બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:59 IST)

વિકાસ ગાંડો થયો છે, મારા હાળા છેતરી ગયા પ્રગતિબહેન ખોવાયાં' સૂત્રોથી અમિત શાહ મૂંઝાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે જીતવી ભાજપ માટે કઠિન બની રહી છે. ૨૨ વર્ષના શાસન બાદ પહેલીવાર એવુ થયું છેકે, કોંગ્રેસ તો ઠીક,ખુદ લોકો જ સોશિયલ મિડીયામાં ભાજપ સરકાર વિરૃધ્ધ રોષ ઠાલવી રહ્યાં છે. તેમાં વિકાસ ગાંડો થયો છે, મારાં હાળા છેતરી ગ્યાં,પ્રગતિબેન ખોવાયાં છે, આ સૂત્રોએ તો જાણે મેદાન માર્યું છે પરિણામે ભાજપે હવે કોંગ્રેસના આ અભિયાન સામે સાયબર લડત છેડવા કાઉન્ટર્સ એટેકર્સની શોધખોળ આદરી છે. સૂત્રોના મતે,વિધાનસભાની ચૂંટણીઓ ઢુંકડી આવી પહોંચી છે. અત્યાર સુધી સોશિયલ મિડીયા થકી જ ભાજપે પક્ષ-સરકારની સિધ્ધીઓ લોકો સુધી પહોંચી ભરપૂર ઉપયોગ કર્યો હતો. હવે આ જ સોશિયલ મિડીયા ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. સરકારી કચેરીથી માંડીને સચિવાલય, ગામડાથી માંડીને મેટ્રોસિટી સુધી ભાજપ સરકારની રીતીનિતી સામે લોકો ભારોભાર નારાજ છે. ખેડૂતોથી માંડીને નાના વેપારીઓ, વિદ્યાર્થીઓથી માંડીને ગૃહિણીઓ મોંઘવારી,જીએસટી,નોટબંધી,આર્થિક મંદી સહિતના પ્રશ્નોથી પિડાઇ રહ્યાં છે. જે ભાજપને આ વખતે ચૂંટણીમાં ભારે પડી શકે છે. ભાજપના નેતાઓને ડર પેઠો છેકે, દરવખતની જેમ આ વખતે ગુજરાતના મતદારોને રિઝવી શકાય તેમ નથી. ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ ગુજરાતમાં વારંવાર આવવા મજબૂર થવુ પડયું છે. ગુજરાતમાં આ વખતે એન્ટીઇન્મકમ્બન્સી ભાજપને હરાવી શકે છે તેવુ ચિત્ર ખડુ થયું છે ત્યારે સોશિયલ મિડીયામાં કોંગ્રેસના પ્રચાર સામે ટક્કર ઝિલવા ભાજપે કાઉન્ટર્સ એટેકર્સની શોધ શરૃ કરી દીધી છે. ખુદ અમિત શાહે ભાજપના નેતાઓને સૂચના આપવી પડી છે. સાયબર એટેક કરી શકે તેવા આઇડિયા ધરાવતા યુવાઓને મોટા પગાર સાથે ઓફરો થવા માંડી છે. આમ છતાંયે,ભાજપનો મેળ પડે તેમ નથી.પ્રગતિ-વિકાસ જેવા શબ્દનો પર્યાય શોધવામાં આવી રહ્યો છે.સોશિયલ મિડીયામાં છવાયેલાં પ્રચાર સામે ભાજપના નેતાઓ હાલમાં તો માથુ ખંજવાળી રહ્યાં છે.