સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (11:43 IST)

અનામતનું કોકડું ઉકેલવા સરકાર અને પાટીદારો વચ્ચે આજે બેઠક

અનામત અંગે આજે સરકાર અને પાટીદારો વચ્ચે ગાંધીનગર ખાતે સ્વર્ણિંમ સંકુલમાં બેઠક યોજાવા જઈ રહી છે. ભાજપે આંદોલનનું કોકડું ઉકેલવા હવે છેલ્લી ઘડીએ પ્રયાસો આદર્યા છે. ત્યારે ભાજપ સરકારે ચર્ચા કરવા અનામત આંદોલનકારીઓને આમંત્રણ અપાયું છે. મંગળવારે બપોરે બે વાગે પાટનગર ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે આ બેઠક યોજાશે. જોકે, સોમવારે પાસ-એસપીજીના હોદ્દેદારો વચ્ચે થયેલી બેઠકમાં એવુ નક્કી કરાયું હતું કે, બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હશે તો બેઠકનો બાયકોટ કરવામાં આવશે. સોમવારે અમદાવાદમાં પાસ-એસપીજીના હોદ્દેદારો વચ્ચે થયેલી બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યું કે, માત્ર અનામત જ નહીં, પાટીદારો પર થયેલાં પોલીસ દમન, પોલીસ ગોળીબારમાં માર્ય ગયેલાં યુવાનો,જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં સહિત કુલ છ માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવશે. આ તમામ માંગણીઓ સરકાર સ્વિકારશે તો,જ સમાધાન શક્ય બનશે. આ ઉપરાંત માત્ર પાટીદાર આયોગની જાહેરાત કરશે તો પાટીદારો સ્વિકારશે નહીં. સમાજના હિતની વાત હશે તો, પાટીદારો ચોક્કસપણે સમાધાન કરશે. સરકારે પાસ,એસપીજીના હોદ્દેદારો ઉપરાંત સિદસર,ઉંઝા ઉમિયાધામ, ખોડલધામ,વિશ્વ ઉમિયા પાટીદાર ફાઉન્ડેશન સહિતની પાટીદાર ધાર્મિક સંસ્થાના આગેવાનોને પણ ચર્ચામાં ભાગ લેવા આમંત્રિત કર્યા છે. કુલ મળીને ૮૦-૯૦ સભ્યોને બેઠકમાં ભાગ લેશે તેમ જાણવા મળ્યું છે. બીજી તરફ, પાસ,એસપીજીએ મર્યાદિત લોકોને જ ચર્ચા કરવા આમંત્રિત કરવા સરકારને વિનવણી કરી છે. પાસ કોર કમિટીએ પત્ર લખીને નાયબ મુખ્યમત્રી નિતીન પટેલને વિનંતી કરી છેકે, બેઠકમાં ભાજપના સંગઠનના એકપણ સભ્યને હાજર રાખવામાં ન આવે. આમ, ફરી એક વાર પાટીદારો અને ભાજપ સરકાર વચ્ચે બેઠક યોજાવવા જઇ રહી છે.મંગળવારે સ્વર્ણિમ સંકુલમાં શું થશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે.પાટીદારો સમાધાન કરશે પછી ભાજપ સરકાર સામે બાંયો ચડાવશે તે આ બેઠક પછી ખબર પડશે.