શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (13:19 IST)

ગુજરાત રાજકારણીઓના મોઢે સુરક્ષિત - ગુનાખોરી મામલે અમદાવાદ - સુરતનો દેશના ટોપ ૧૦ શહેરોમાં સમાવેશ

નેશલન ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ તાજેતરમાં ૨૦૧૬ દરમિયાન ભારતભરમાં થયેલા ક્રાઇમ અંગે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતના બે શહેરો દેશના ટોપ-૧૦ ક્રાઇમ રેકોર્ડ ધરાવતા શહેરોમાં સ્થાન પામે છે. આ રિપોર્ટ અનુસાર આઈપીસી અને એસએલએલ કલમો હેઠળ ૧૯,૮૪૪ જેટલા ગુના નોંધણી સાથે સુરતનો નંબર ૬ પર છે જયારે ૧૬,૮૩૩ ગુના નોંધણી સાથે અમદાવાદ ૯માં નંબરે છે. જયારે રાજય મુજબ વાત કરવામાં આવે તો સરેરાશ ગુનાખોરીમાં ગુજરાત ૧૧માં નંબરે રહ્યું છે.

આ રિપોર્ટમાં NCRBએ ૨૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૯ શહેરોને ધ્યાનમાં લીધા છે. રિપોર્ટ મુજબ ૨૦૧૫ની સાપેક્ષમાં અમદાવાદમાં ગુનાખોરીના પ્રમાણમાં સૌથી વધુ હત્યા, બળાત્કાર અને બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરવાના કારણે મોતના કિસ્સા વધ્યા છે. ૨૦૧૫ની સરખામણીએ રેપના કેસની નોંધણી ડબલ જેટલી થઈ ગઈ છે. ૨૦૧૫માં ૫૯ કેસ નોંધાયા હતા તેની સામે ૨૦૧૬માં ૧૧૩ રેપ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. જયારે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગના કેસમાં મૃત્યુઆંક ૩૭૫થી વધીને ૪૨૮એ પહોંચી ગયો છે. જોકે મિલકતને લગતા ગુના બાબતે શહેર માટે સારા સમચાર છે. ચિંટિંગના મામલામાં ૨૧.૫%નો ઘટાડો નોંધાયો છે. જયારે ચોરીના મામલે ૩.૮૫% ગુના ઓછા થયા છે. રિપોર્ટ મુજબ ૨૦૧૬માં જાતિવાદના કારણે ૯ હુલ્લડના કેસ નોધાયા છે. જયારે બેંગલુરુમાં આવા ૧૦ કેસની નોંધણી સાથે પ્રથમ સ્થાને છે. જોકે ગુજરાતમાં હુલ્લડમાં માર્યા ગયેલાઓની સંખ્યા ખૂબ જ વધુ છે. દેશના બધા જ ભાગમાં થયેલા હુલ્લડમાં કુલ ૫૦ લોકો માર્યા ગયા છે જે પૈકી ૨૫ જેટલા ગુજરાત એકલામાં છે. રિપોર્ટ મુજબ ૨૦૧૬ અંતર્ગત ગુજરાત ભરમાંથી ૧૮ વર્ષની વયથી નીચેના ૨૦૦૭ બાળકો અને સગીરો ગૂમ થયા છે. જેમાં ૧૩૪૨ ગર્લ ચાઇલ્ડ છે જયારે ૬૬૫ બોય્ઝ છે. જયારે રાજયમાં કસ્ટોડિયલ ડેથના ૧૧ કેસ નોંધાય છે. જે દેશમાં મહારાષ્ટ્રના ૧૬ કેસ પછી બીજા નંબરે છે.