ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:34 IST)

રૂપાણી સરકારનાં 475 નિર્ણયો છતાં પ્રજા ત્રસ્ત કેમ - વિપક્ષી નેતા પરેશ ધાનાણી

ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 22 વર્ષ સતત સત્તા પર બેઠેલી છે. ત્યારે તેમના દ્વારા કેટલા નિર્ણયો લેવામાં આવ્યા અને કેટલા પુરા થયા તે અંગે વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ખુલાસો કરતા ગુજરાતની જનતાને જણાવ્યું હતુ. તેમણે ખેડૂતો, મોંઘા બિયારણ, જંતુનાશકોની સમસ્યાઓ, નલિયા દુષ્ક્રર્મ કાંડ, યુવાનોને રોજગારી, ફિક્સ પગારદારોનું શોષણ, મોંઘુ શિક્ષણ જેવા મુદ્દાઓ પર સરકારને પડકાર ફેંક્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર માટે હવે કોઇ પણ મોટો નિર્ણય લેવો તે મુસિબતને સામેથી બોલાવવા બરાબર બની ગયુ છે. જેનુ કારણ, સરકાર દ્વારા એકપણ નિર્ણયો લેવાયા તેમાં પુરા કરાયા હોય તેવા નિર્ણયો ના બરાબર છે. રૂપાણી સરકારનાં 365 દિવસનાં શાસનમાં 475 નિર્ણયો લેવામાં આવ્યા હોવાના સરકારનાં દાવાની પોલ વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ખોલી દીધી છે. તેમણે કહ્યુ કે, રૂપાણી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોમાં ઉતાવળ હોવાનું વધુ પુરવાર થાય છે, આટલા બધા નિર્ણયો છતા ગુજરાતની જનતા કેમ ત્રસ્ત છે? જેમ કોઇના પરસેવાની કમાણીનાં બેંકનાં નાણાં કોઇ અન્ય પચાવી પાડે છે, તેમ સરકારી યોજનાઓનો લાભ પણ આ પ્રકારનાં લોકો જ લઇ જાય છે. આજે ગુજરાતમાં દેવામાં ડૂબેલા ખેડૂતો પર વીજચોરીનાં ખોટા કેસો કરીને દંડ ફટકારવામા આવી રહ્યો છે, ગરીબોને જમીન મળતી નથી અને સરકાર બે પગનાં આખલાઓને જમીન લૂંટાવી રહી છે, ગામમાં રામ રેઢાં રખડે છે અને ભાજપ અયોધ્યામાં રામમંદિર બનાવવાની મોટી મોટી વાતો કરે છે. પરેશ ધાનાણીએ કહ્યુ કે, ગુજરાતની સરકાર શિક્ષણ ક્ષેત્રે કોઇ ખાસ નિર્ણયો લઇ રહી નથી, માત્ર સ્લોગન પર સમગ્ર સરકારને ચલાવવામાં આવી રહી છે. જો કે ગુજરાતમાં બીજા રાજ્યની સરખામણીમાં શિક્ષણનું સ્તર વધ્યુ છે. પરંતુ તેમાં ભાજપ સરકારનો કોઇ હાથ નથી, ગુજરાતનાં લોકો શરૂઆતથી જ ભણતરને મહત્વ આપે છે. જો સરકાર શિક્ષણ ક્ષેત્રમાં કોઇ ખાસ પગલા લેશે તો આવનારા ભવિષ્યમાં કેરળની જેમ ગુજરાત પણ શિક્ષણ ક્ષેત્રમાં વધુ આગળ આવશે.