શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (14:46 IST)

રાજ્યસભાની ચૂંટણી - ભાજપ-કોંગ્રેસના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે પૂર્વ રેલમંત્રી નારણ રાઠવાના ફોર્મમાં વાંધાવચકા રજૂ કરી છેક ભાજપે છેક દિલ્હી સુધી ફરિયાદો કરી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે સમાધાનનો તખ્તો ઘડયો હતો જેના લીધે વધારાના બંન્ને ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધાં પરિણામે રાજ્યસભાના ચારેય ઉમેદવારોને મોડી સાંજે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતાં.

બે દિવસ પહેલાં ભાજપે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર નારણ રાઠવાએ ફોર્મ ભર્યુ ત્યારે નો ડયૂ સર્ટિફિકેટના મુદ્દે એટલી હદે વાંધો ઉઠાવ્યો કે,દિલ્હીમાં ભાજપના નેતાઓએ છેક કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી દીધી હતી. રાઠવાનું ફોર્મ રદ કરાવવા જાણે ભાજપે ઉધામા કર્યા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે એક બેઠક યોજાઇ હતી જેમાં સમાધાનની રણનીતિ ઘડાઇ છે. જે ભાજપે રાઠવાનુ ફોર્મ ટેકનીકલ ભૂલને આગળ ધરીને રદ કરાવવા ધમપછાડા કર્યા હતાં તે જ ભાજપે આજે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતાં જેથી કોંગ્રેસના ઇશારે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર પી.કે.વાલેરા અને ભાજપ વતી ત્રીજા ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર કિરીટસિંહ રાણાએ ચૂંટણી અધિકારીની ઓફિસમાં જઇને ફોર્મ પરત ખેંચ્યાં હતાં. આ કારણોસર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો અને ચૂંટણી ટળી હતી. મોડી સાંજે રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા,પુરષોત્તમ રુપાલા જયારે કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિાક અને પૂર્વ રેલરાજ્ય મંત્રી નારણ રાઠવાને બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા હતા.અમી યાજ્ઞિાક અને નારણ રાઠવા પ્રથમવાર રાજ્યસભામાં જઇ રહ્યાં છે જયારે માંડવિયા અને રુપાલા બીજીવાર રાજ્યસભામાં એન્ટ્રી કરશે