રાજ્યસભાની ચૂંટણી : ભાજપના કિરિટસિંહ રાણા અને અપક્ષ ઉમેદવાર પી કે વાલેરાએ ફોર્મ પાછું ખેંચ્યું
રાજ્યસભા માટે ભાજપમાંથી ત્રીજા ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણા અને પી કે વાલેરાએ અપક્ષ ઉમેદવવાર તરીકે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહિં થાય. ગુજરાતમાંથી ચારેય બેઠકો બીનહરિફ ઘોષિત કરવામાં આવતા, ગુજરાતમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા ભાજપમાંથી જ્યારે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક કોંગ્રેસમાંથી રાજ્યસભામાં બીનહરીફ ઉમેદવાર તરીકે જશે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યા પછી ભાજપમાંથી કિરિટસિંહ રાણાને ફોર્મ ભરાવવામાં આવ્યું હતું.
જ્યારે કોંગ્રેસે નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકને રાજ્યસભામાં મોકલવા મન બનાવી લેતાં ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી પીકેવાલેરાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન ગાંધીનગરમાં જીતુ વાઘાણી અને શૈલેષ પરમાર વચ્ચે મિટિંગ યોજાયી હતી. એક તબક્કે પોતપોતાના ત્રીજા ઉમેદવારને પરત ખેંચવા ચર્ચા કરવામાં આવી હતી. જો કે તે પછી ઉભા રાખવામાં આવેલા ત્રીજા ઉમેદવારને પાછા ખેંચવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આમછતાં ફોર્મ પાછું ખેચવા બાબતે પહેલે આપ પહેલે આપ જેવો ઘાટ જોવા મળ્યો હતો. આખરે બંને પક્ષના ત્રીજા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા એકસાથે સંલગ્ન અધિકારી પાસે પહોંચ્યા હતા. ભાજપમાંથી કિરિટસિંહ રાણા અને પી કે વાલેરાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને પરિણામે હવે ગુજરાતમાંથી બે ભાજપના સભ્યો મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના બે સભ્યો નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક બીનહરીફ રીતે રાજ્યસભામાં જશે. ગુજરાતમાં હવે રાજ્યસભાની ચૂંટણીને લઈને મતદાન નહિં થાય. ગુજરાતમાં ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂરી કરનારા અરુણ જેટલીને આ વખતે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.