શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (15:08 IST)

ગુજરાતમાં મહાનુભાવોએ દત્તક લીધેલા કેટલાક ગામોની દૂર્દશા હજુ ઠેરની ઠેર - અહેવાલો

ગુજરાતમાં ગામડાઓને દત્તક લઈને તેનો વિકાસ કરવાની પરંપરા છે, પરંતુ આ અભિગમ નિષ્ફળ ગયો હોવાના અહેવાલો આવી રહ્યા છે. રાજ્યના કેટલાક ગામોમાં દત્તક લેવાયેલા ગામોની દૂર્દશા હજુ હટી નથી, તેવા અનેક ગામો છે, પરંતુ બે પૂર્વ મુખ્યમંત્રીએ દત્તક લીધેલા કરમદી અને વર્તમાન સાંસદ દ્વારા દત્તક લેવાયેલા રાજપુરના દૃષ્ટાંતો મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે. ગુજરાતમાં ગામડાઓને મહાનુભાવો દ્વારા દત્તક લેવાની પરંપરા હમણાંથી વધી રહી છે, પરંતુ ઘણાં વર્ષોથી આ અભિગમ ગુજરાતમાં ચાલી રહ્યો છે. એવા અહેવાલો જાણવા મળ્યા છે કે રાજ્યના બબ્બે પૂર્વ મુખ્યમંત્રીઓ દ્વારા દત્તક લેવાયા

ગામની દૂર્દશા હટી નથી. બનાસકાંઠાના ટ્રાયબલ એરિયામાં અમીરગઢ તાલુકાના કરમદી ગામમાં આઝાદીના સાત દાયકા પછી પણ વિકાસના ફળો પહોંચ્યા નથી. પીવાના પાણીની તંગી છે. વીજળી છેક હવે પહોંચી છે, પરંતુ ગામના મોટાભાગના ઘરોમાં વીજજોડાણો અપાયા નથી. આ ગામને એસ.ટી. બસ કે દવાખાનાની સુવિધા પણ ઉપલબ્ધ બની નથી. પ્રાથમિક શાળામાં ૬ ધોરણ છે, પરંતુ સાતમું ધોરણ ભણવા બાર કિલોમીટર સુધી ચાલીને જવા કોઈ તૈયાર નથી. આ ગામમાં કોઈ ગ્રેજ્યુએટ તો નથી, પરંતુ ધોરણ ૧૦ સુધી ભણેલો માત્ર એક જ વિદ્યાર્થી છે. નજીકના ખાપા ગામથી પાકો રસ્તો નહીં બનતા લોકોને તાલુકા મથકે જવા ૬૦ કિલોમીટરનો ફેરો થાય છે. આ ઉપરાંત અનેક ફરિયાદો ધરાવતા આ ડુંગરાળ ગામને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને તે પછી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે પણ દત્તક લીધું હોવાનું કહેવાય છે. આ ગામને વાજબી ભાવનું રાશન તેમના જ ગામમાં મળતું નથી અને ડુંગરા ખુંદીને પાંચ કિલોમીટર દૂર અમીરગઢ જવું પડે છે. બીજી તરફ ગુજરાતથી જ ચૂંટાયેલા સાંસદ પરેશ રાવલે દત્તક લીધેલા રાજપુર ગામમાં પણ પ્રાથમિક જરૃરિયાતની સુવિધાઓ નહીં હોવાના અહેવાલો મીડિયામાં છવાયા છે. આ ગામમાં મોટું શૌચાલય કૌભાંડ થયું હોવાનું મીડિયામાં જણાવાઈ રહ્યું છે. આ માત્ર દૃષ્ટાંતો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મહાનુભાવોએ દત્તક લીધેલા ગામોની કદાચ આવી જ દશા હશે, જો કે કેટલાક અપવાદરૃપ કિસ્સા પણ મળી શકે છે, જેમાં દત્તક લેવાયેલા ગામનો સર્વાંગી વિકાસ થયો હોય. આવા ગામો માટે તેને દત્તક લેનાર જનપ્રતિનિધિના વ્યક્તિગત રીતે સતત અને સક્રિય પ્રયાસો રહ્યા હશે.