ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (13:20 IST)

વડોદરામાં મહિલા પીએસઆઈ પર હૂમલો, ટોળામાંથી કોઈએ રીવોલ્વર ખેંચવાની કોશિશ કરી

વડોદરા શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા દૂધવાળા મહોલ્લા પાસે મધરાત સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા સ્ટાફ સાથે ગયેલ મહિલા પી.એસ.આઇ. ઉપર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત મહિલા પી.એસ.આઇની રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ થઇ ગયેલા પોલીસ અધિકારીને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વડોદરા શહેરના ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લામાં પાસે મોડીરાત સુધી ખાણી-પીણીની લારીઓ ચાલુ રહે છે. મંગળવારે રાત્રે વાડી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એસ.જે. તોમર સ્ટાફ સાથે લારીઓ બંધ કરાવવા માટે ગયા હતા.

પોલીસે લારીઓ બંધ કરાવવા માટે જણાવતાજ મામલો ઉગ્ર બની ગયો હતો. સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.   બીજી બાજુ દૂધવાળા મહોલ્લા પાસે પોલીસ અધિકારી ઉપર હુમલો થયો હોવાની જાણ મીડિયાને થતા મીડિયા હોસ્પિટલમાં દોડી ગયું હતું. જ્યાં ઇજાગ્રસ્ત મહિલા પી.એસ.આઇ.ની મદદે દોડી ગયેલા મહિલા પોલીસ અધિકારી અને મીડિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મંગળવારે મોડી રાત્રે દૂધવાળા મહોલ્લામાં મહિલા પોલીસ અધિકારી ઉપર થયેલા જીવલેણ હુમલાના બનાવે પોલીસ તંત્રમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. યાકુબ હુસૈન દુધવાલા સહિત 15 લોકોના ટોળા સામે રિવોલ્વર ખેંચી લેવાનો પ્રયાસ, અને મહિલા પીએસઆઇ પર જીવલેણ હુમલો કરી ઇજા પહોંચવા બાબતે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.