રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં ગુજરાતની 47 બેંકના કર્મચારીઓ જોડાશે
મે મહિનાના અંતમાં બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. જેમાં ગુજરાતની 47 બેંકના કર્મચારીઓ પગારમાં વધારો ન મળતાં વિરોધ કરશે. મહાગુજરાત બેંક એમ્પલોઈઝ અસોસિએશન ના મતે જાહેર ક્ષેત્ર અને કેટલીક ખાનગી ક્ષેત્રની બેંકોના મળીને કુલ 55,000 બેંક કર્મચારીઓ વિરોધમાં જોડાશે. MGBEAના સેક્રેટરીએ જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી અમે અમારા પગારમાં સુધારો આપવા બાબતે ઈંડિયન બેંક અસોસિએશન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. IBA પગાર બિલમાં ફક્ત 2 ટકા વધારો આપવા તૈયાર થયું છે,
જે અમને મંજૂર નથી. અમે આ મામલે કેંદ્રીય નાણાં મંત્રાલયનો સહકાર ઈચ્છીએ છીએ. અમને હજુ સુધી આ મામલે સંતોષકારક જવાબ મળ્યો નથી. મહિનાના અંતે બે દિવસ બેંકો બંધ રહેવાથી પગારદારોને મહિનાને અંતે મળતો પગાર અટકશે. સાથે જ લોકોને બેંકને લગતા કાર્યો પૂરા કરવામાં હાલાકી પડશે. બેંક કર્મચારીઓએ એકમતે 30-31 તારીખે બેંકોમાં હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. અધિકારીએ કહ્યું કે, IBA આ મામલાનો ઉકેલ લાવવમાં મોડું કરી રહી છે, તેની સામે અમારો વિરોધ છે. ઉપરાંત બેંક કર્મચારીઓ અને અધિકારીઓના પગાર વધારા મામલે કેંદ્ર સરકાર પણ બેદરકાર છે. તો કેટલીક બેંકોમાં ફક્ત સ્કેલ-3ના અધિકારીઓના જ પગારમાં વધારો મંજૂર કરાયો છે.