અમદાવાદમાં લીલા ઘાસચારાની તંગી, મણનો ભાવ 80 રૂપિયા

grass cutter
Last Modified મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (12:18 IST)

જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદ જ ન પડતા ખેડૂતો પાયમાલીના આરે છે ત્યારે સાથે સાથે પશુપાલકોની પણ માઠી દશા બેઠી છે. જિલ્લામાં ઘાસચારાની તંગી સર્જાતા ઘાસચારામાં લીલી જુવારનો ભાવ ૨૦ કિલોએ ૮૦ રૃપિયાએ પહોંચી ગયો છે. ગત વર્ષે આ ગાળામાં તેનો ભાવ ૫૦ રૃપિયા હતો. ઓછા વાવેતર વચ્ચે ગાંધીધામ-કચ્છ બાજુ ઘાસચારો મોકલવામાં આવી રહ્યો હોવાથી છેલ્લા દશેક દિવસમાં ઘાસચારામાં ભાવવધારો થઇ જતા પશુપાલકો ચિંતાતુર બની ગયા છે. આ અંગે ઘાસચારાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં અમદાવાદ જિલ્લામાં ખાસ કરીને અસલાલી, બદરખા સહિતના ગામોમાંથી લીલો ઘાસચારો ભરીને ગાંધીધામ-કચ્છ બાજુ ટ્રકો ભરીને મોકલવામાં આવી રહી છે. ૨૦ કિલોએ ૬૦ થી ૭૦ રૃપિયાની તેઓની ખરીદી છે. ટ્રકભાડા સાથે આ ઘાસચારો કચ્છમાં ૧૦૦ રૃપિયા કે તેથી પણ વધુના ભાવે વેચાઇ રહ્યો છે. બીજી તરફ જિલ્લામાં વરસાદ ખેંચાઇ જતા તેમજ સિંચાઇનું પાણી ન મળતા ઘાસચારાનું વાવેતર રોકાઇ ગયું છે. અને પાણીના અભાવે હયાત વાવેતર બળી રહ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં હાલમાં ઘાસચારાના વેપારીઓને ૬૦ થી ૭૦ રૃપિયે ૨૦ કિલોના ભાવે ઘાસચારો મળી રહ્યો છે. જેને તેઓ ૮૦ રૃપિયાના ભાવે છૂટકમાં વેચે છે. કચ્છમાં ઘાસચારાની નિકાસ, વરસાદ ખેંચાતા તેમજ સિંચાઇના પાણી અછત વચ્ચે જિલ્લામાં આગામી ૧૫ દિવસમાં લીલો ઘાસચારો ખતમ થઇ જશે. જો વરસાદ નહીં પડે તો જિલ્લામાં ઘાસચારાની તંગી વચ્ચે પશુઓએ ભુખે મરવાની નોબત આવી જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. નોંધપાત્ર છેકે ગત વર્ષે આ સમયગાળામાં અમદાવાદ જિલ્લામાં ૭૫,૮૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું હતું. જેની તુલનામાં આ વર્ષે હજુ સુધી માત્ર ૨૯,૬૯૨ હેક્ટર જ વાવેતર થયું હતું. જેમાંનો મોટાભાગનો ઘાસચારો વેચાઇ ગયો છે તેમજ પાણીના અભાવે સુકાઇ ગયો છે. ચાલુ વર્ષે ૪૬,૧૦૬ હેક્ટરમાં ઘાસચારાની ઘટ જોવાઇ રહી છે.


આ પણ વાંચો :