અમદાવાદમાં સરખેજ હાઈવે અને રિંગ રોડ પરનાં કોફી બાર, હોટેલો રાત્રે 11 વાગ્યે બંધ
અમદાવાદમાં સરખેજ હાઈવે પર રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ પર આવેલ ડેનિસ કોફીબારની બહાર રોડ પર બે યુવાનોએ હવામાં કરેલા ફાયરિંગના ચકચારી કેસ બાદ શહેર પોલીસે હાઇવે પર મોડી રાત સુધી ચાલતા કોફીબાર, રેસ્ટોરાં અને ખાણીપીણીનાં બજારો રાતે ૧૧ વાગ્યા પછી બંધ કરાવી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એસ.જી.હાઇવે અને એસ.પી.રિંગ રોડ આવેલા કોફીબાર, રેસ્ટોરાં યુવાધન માટેનો મોજ મસ્તીનો અડ્ડો બની ગયા છે. જેનો લાભ કેટલાંક તોફાની તત્વો ઉઠાવી રહ્યાં છે. તોફાની તત્ત્વોને કંટ્રોલ કરવા માટે તેમજ કોઇ માથાકુટ ના થાય તે માટે પોલીસે આ નિર્ણય લીધો છે. રાતે ૧૧ વાગે રેસ્ટોરાં, કોફીબાર અને ખાણીપીણી બજાર બંધ કરી દેવા માટે પોલીસ તમામને નોટિસ પાઠવશે.
એસ.જી.હાઇવે, સિંધુ ભવન રોડ તેમજ એસ.પી.રિંગ રોડ પર સ્ટંટ બાજી કરતા અને દારૂ પીને ધમાલ કરતા અનેક બનાવો અગાઉ પણ બન્યા છે. પુરઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરવા તેમજ કારમાં દારૂની મહેફીલ માણવી, યુવતીઓની મશ્કરીઓ કરવી અને પૈસાદાર હોવાનો રોફ મારવાનું હવે એસ.જી.હાઇવે, સિંધુ ભવન રોડ, તેમજ એસ પી રિંગ રોડ પર વધી ગઇ છે. થોડાક સમય પહેલાં એસ.જી.હાઇવે પર આવેલા એક કોફીબારમાં કેટલાક નબીરાઓએ મારામારી પણ કરી હતી. સિંધુ ભવન રોડ પર મેક્સી પટેલે કરેલા ફાયરિંગ બાદ કોફીબાર, રેસ્ટોરાંમાં અડિંગો જમાવીને બેસી રહેલાં તોફાની તત્ત્વો તેમજ યુવાધનો પર પોલીસ નજર રાખશે. ઝોન સાતના ડીસીપી આર.જે.પારધીએ જણાવ્યું છે કે રાતે હાઇવે પર આવેલી હોટલો અને કોફીબારમાં બેસવા માટે આવતા લોકોમાં ન્યુસન્સ વધી ગયું છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજાએ જણાવ્યુ છેકે તોફાની તત્ત્વોને રોકવા માટે અને માથાકૂટને બંધ કરવા માટે હાઇવે પર આવેલી તમામ હોટલો અને કોફીબાર અને ખાણીપીણીનાં બજારોને ૧૧ વાગે બંધ કરી દેવા માટેની નોટિસ આપવામાં આવશે. જો ત્રણ નોટિસ બાદ પણ કોઇ નહીં માને તો મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને હોટલ, કોફીબાર અને ખાણીપીણીનાં બજારને સીલ કરવામાં આવશે. રાતે સમયસર ખાણીપીણીના સ્ટોલ બંધ થઇ જતાં તોફાની તત્ત્વો પણ જતાં રહેશે. આ સિવાય તમામ લોકનું ચેકિંગ કરવામાં આવશે કે તેમણે દારૂ પીધો છે કે નહીં અને હાઇવે પર ઊભી રહેતી તમામ કારનું પણ ચેકિંગ કરવામાં આવશે. આ સિવાય નાટકબાજી કરતા લોકો ઉપર પણ નજર રાખવામાં આવશે.