શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (10:31 IST)

CAAના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા, ઘરે-ઘરે જઇ કરશે જનસંપર્ક

સમગ્ર દેશમાં CAAને લઈને થયેલા પ્રચંડ વિરોધ બાદ ભાજપ સફાળું જાગ્યું છે અને હવે આ મામલે લોકો સુધી પહોંચવામાં કોઈ કચાશ રાખવા માંગતું નથી. 12 રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવશે. આ નેતાઓ સંમેલન, પ્રેસ કોંફરન્સ અને રેલીઓમાં ભાગ લેશે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે લોકોની વચ્ચે આ કાયદાને લઈને ગેરસમજ ઊભી કરી છે. જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે.
 
નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભાજપ આગામી દસ દિવસ જનસંપર્ક અભિયાનને વેગ આપશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રિય સહ સંગઠન મંત્રી વી સતીષની હાજરીમાં મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવશે અને સંમેલનમાં ભાગ લેશે. આવતીકાલે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે. વડોદરા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાંજે યુવાનો અને બૌદ્ધિકોના બુદ્ધિજીવી સંમેલનમાં જે.પી.નડ્ડા સંબોધન કરશે. 
 
નાગરિકતા સંશોધન કાયદાના હકારાત્મક પાસાઓને લઈને સંબોધન કરશે. નગરિકતા સંશોધન કાયદાને લઈને ફેલાયેલી ગેરસમજો દૂર કરવાનો આ ભાજપનો પ્રયાસ છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 37થી વધુ બુદ્ધિજીવી સંમેલનો યોજાયા છે અને 39 રેલીઓ નાગરિક સમિતિઓ માધ્યમથી યોજાઈ છે. 
 
આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા લઘુમતી સમાજના હિત માટેનો છે અને આ કાયદાથી ભારતના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવાઈ જવાની નથી, ત્યારે આ કાયદાની સાચી વાત લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. 5 જાન્યુઆરીથી ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન યોજશે. 
 
જેમાં લોકોના ઘરે જઈને આ કાયદા વિશે માહિતી અપાશે. ભાજપના પ્રદેશ નેતાઓ , મંત્રીઓ, સાંસદો અને તમામ હોદેદારો 250 તાલુકા-નગરોમાં ઘેર-ઘેર જનસંપર્ક કરશે. મહાનગરોમાં પણ જિલ્લા સ્તરના નેતાઓ જનસંપર્ક કરશે. 10 થી 12 જાન્યુઆરી સુધી તમામ જિલ્લા મથકો પર ભાજપનો યુવા મોરચો યુવાનો વચ્ચે જઈને કાયદાનો પ્રચાર પ્રસાર કરશે.
 
કોણ કોણ આવશે ગુજરાત 
 
કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા
 
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
 
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની
 
રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા
 
પૂર્વ પ્રભારી ઓમ માથુર
 
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ
કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી
 
રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ અરૂણસિંહ 
પ્રદેશપ્રભારી ભૂપેન્દ્ર યાદવ
મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકર