શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જુલાઈ 2020 (23:33 IST)

ગાંધીનગરમાં રાજભવનની સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ધાનાણી સહિત 20ની અટકાયત

ભારતના બંધારણના આમુખમાં ભારત એક લોકશાહી દેશ છે એટલે જ આપણા દેશમાં રાજશાહી, સરમુખત્યારશાહી કે સરકારી શાસન નહીં એવું સ્પષ્ટ બંધારણ સભાએ ઠરાવેલું છે. આ લોકશાહી વ્યવસ્થા ટકાવવામાટે બંધારણમાં વિભિન્ન જોગવાઈઓ રહેલી જ છે. આ જોગવાઈઓનું હનન થાય ત્યારે લોકશાહી ખતરામાં પડે છે.
 
રાજસ્થાન અને દેશભરમાં બંધારણીય પદોનો દુરુપયોગ કરીને કોંગ્રેસ પક્ષની સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો સતત થતા રહે છે તેના વિરુદ્ધ દેશમાં તમામ રાજભવનો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 
 
જો કે રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી. મંજૂરી વગર રાજ ભવન સામે દેખાવો કરવાના પ્રયત્ન કરાતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની સહિત ૨૦ લોકોની ગાંધનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
 
પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “કેન્દ્રમાં સરકારમાં રહેલી ભાજપની સત્તાભૂખના કારણે વારંવાર દેશમાં લોકશાહીના મુલ્યો – સિદ્ધાંતોની હત્યા કરી સત્તા મેળવવાના પ્રયત્ન થયા છે. પહેલા મણીપુર, ગોવા, કર્ણાટક અને કોરોનાની કપરી પરિસ્થિતિમાં મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી સરકારને તોડવાનું કામ ભાજપની કેન્દ્ર સરકારે કર્યું છે. 
 
આટલાથી ના અટકતા ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કરોડો રૂપિયા ખર્ચીને ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા. ગુજરાતમાં પણ લોકશાહીની હત્યા કરવામાં આવી, જનાદેશનું અપમાન કરવામાં આવ્યું અને હવે તે જ પરંપરાને આગળ વધારતા ભાજપના નેતાઓ- શાસકો રાજસ્થાનમાં ચૂંટાયેલી કોંગ્રેસ પક્ષની સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
 
પક્ષાપક્ષીથી ઉપર રહી ભારતના બંધારણ મુજબ લોકશાહીના મુલ્યો અને પરંપરાની રક્ષા માટે કામ કરવાનું હોય તેવા બંધારણીય પદ પર બેઠેલા જવાબદાર લોકો પણ આજે કેન્દ્ર સરકારના આદેશો મુજબ તેમના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજસ્થાનના મહામહિમ રાજ્યપાલની મુલાકાત કરી જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોરોનાની મહામારીથી અનેક પ્રશ્નો છે, લોકોને તકલીફો છે અને તે વિષયોની ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની મંજુરી આપવામાં આવે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીની આ વાત સંભાળવામાં ના આવી, ત્યારબાદ ત્યાંની કેબિનેટ અને ધારાસભ્યોએ રજૂઆત કરી કે રાજસ્થાનની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે. 
 
બંધારણની જોગવાઈઓ અનુસાર રાજ્યના મુખ્યમંત્રીને કેબિનેટ ભલામણ કરે ત્યારબાદ મહામહીમશ્રીએ સત્ર બોલાવવાનું હોય છે તેમ છતાં રાજસ્થાનમાં કોના દબાણ હેઠળ રાજ્યપાલ કામ કરી રહ્યા છે? કોના ઈશારે કામ કરી રહ્યા છે? કોના લાભ માટે સરકારને અસ્થિર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે? તેવા અનેક પ્રશ્ન દેશમાં ઉભા થયા છે.
 
ત્યારે લોકશાહીને ખત્મ કરીને સરમુખત્યારશાહી તરફ આગળ લઇ જતા સત્તાભૂખી ભાજપના શાસન સામે લોકશાહી બચાવવાના નારાને લઈને રાજસ્થાનમાં જે રીતે લોકશાહીની હત્યા થઇ રહી છે, બંધારણીય પદોનો દુરુપયોગ થઇ રહ્યો છે અને લોકશાહી ખતરામાં છે તે વાતને લઇ આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજભવન ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું..