મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2019 (13:45 IST)

સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ

ઉધના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણ લોકો આવતા  એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે. જ્યારે એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.  રાજસ્થાનનાં એક જ પરિવારનાં 6 યુવકો ઉધના સ્ટેશન પર ઉતરીને કોયલી ખાડીનાં ટ્રેક પર ચાલતા ચાલતા સુરત તરફ જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક ટ્રેન આવી જતા આ ગોજારો અકસ્માત થયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનનો એક પરિવારનાં 6 લોકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. આ લોકો ભૂલથી અન્ય ટ્રેનમાં બેસી ગયા હતાં. પરંતુ ટ્રેનમાં મુસાફરોએ તેમને સમજાવ્યું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. તેથી યુવાનો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર કુદી ગયા હતા.રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે આવ્યાં હતા. જેમાં 18 વર્ષનાં કુલદિપ ફુલસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 19 વર્ષનાં પ્રવિણ ધીરસિંગનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 18 વર્ષનાં પ્રવિણ નારાયણસિંગની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની પણ હાલત અત્યંત ગંભીર છે.મહત્વનું છે કે વર્ષ 2009માં આજ જગ્યાએ 16 લોકો ટ્રેનની નીચે કપાયા હતાં. ઉધનાથી સુરત જતી વખતે કોયલી ખાડી આવેલી છે. જો એ તમે પાર કરતા હોવ અને વચ્ચે એક્સપ્રેસ ટ્રેન આવી જાય તો તમારાથી કંઇ થઈ શકતું નથી. તમારે ખાડીમાં કુદવું પડે કે પછી તમે ટ્રેનની નીચે આવી જાવ. આ ખાડી એકદમ નાની છે અને આસપાસ જગ્યા નથી.