ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (10:23 IST)

નાગરિકો લોકોને નગરપાલિકા મહાનગર પાલિકા કચેરીમાં રિન્યુઅલ કરાવવા જવું નહિ પડે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર ૬ મહિને તે રીન્યુ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. મુખ્યમંત્રીએ આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક અભિનવ પહેલ કરી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં સિવીલ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે ડિગ્રી ધરાવતા યુવા ઇજનેરોને સરકાર નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે.
 
રાજ્ય સરકાર આવા ઇજનેરોને ફાયર સેફટી તાલીમ માટે બિલ્ડીંગના પ્રકાર તેમજ ઉપયોગના આધારે ફાયર સેફટી ટ્રેનિંગના ઓનલાઇન તેમજ ઓફલાઇન મોડયુલ વિકસાવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. 
આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે.
 
મુખ્યમંત્રીના આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. 
એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે.  અને નગર પાલિકા મહા નગર પાલિકા કચેરીએ રિન્યુઅલ કરાવવા માટે  જવું નહિ પડે.
 
 
આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-ર૦૧૩ની કલમ-૧રની જોગવાઇ મુજબ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને પગલે રાજ્યમાં  ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે.
 
એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે. રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે.