ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (23:19 IST)

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ સંગ્રહ અભિયાનમાં જોડાવા મોરારી બાપૂએ કર્યું આહ્વાન

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 15 જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ સંગ્રહ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે 27 ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં ચાલશે. આ અભિયાન અંતર્ગત પાંચ લાખથી વધુ ગામોમાં 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરાશે તથા તેમની પાસેથી સન્માનિત રાશિ એકત્રિત કરાશે.
 
આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપૂએ એક વિડિયો જારી કરીને સૌને અપીલ કરતાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, જેના માટે સમગ્ર દેશમાં ડોર-ટુ-ડોર જઇને સન્માનિત રાશિ એકત્રિત કરાઇ રહી છે. મારી ઇચ્છા છે કે દરેક વ્યક્તિનો તેમાં સહયોગ હોય એટલે કે ઉપરથી લઇને અંતિમ વ્યક્તિ સુધીનું યોગદાન મંદિર નિર્માણ કાર્યમાં હોય.
 
તેમણે ઉમેર્યું હતું કે, 15 તારીખથી દેશ-વિદેશમાં આ સાત્વિક અભિયાન શરૂ થયું છે, જેની સાથે તમામ રાજકીય આગેવાન, સંતો તેમજ દરેક વ્યક્તિ જોડાયેલી છે. ભગવાન શ્રી રામ કોઇ એક જ સમૂહના ઇશ્વર નથી. ઇશ્વર બધાના છે. ભગવાન શ્રી રામ વિશ્વરૂપ છે. અયોધ્યામાં મંદિર એક ઐતિહાસિક અને વિશેષરૂપે આધ્યાત્મિકરૂપ ધારણ કરવા જઇ રહ્યું છે.
 
આ પહેલાં બાપુ દ્વારા અપીલ કરવા ઉપર રામ મંદિરના નિર્માણમાં સહયોગ કરવા દેશ-દુનિયાના રામકથાના શ્રોતાઓએ ઉત્સાહભેર સહયોગ કર્યો છે. હિંદુસ્તાનમાંથી અત્યાર સુધીમાં લગભગ રૂ. 11 કરોડની રાશિ એકત્રિત થઇ છે, જે મંદિર સમીતિને સોંપી દેવાઇ છે. આ ઉપરાંત વધુ રૂ. 7 કરોડ જેટલી રકમ વિદેશોમાં એકત્રિત થઇ છે, જે ત્યાં પ્રામાણિક હાથોમાં છે. રામ મંદિર સમીતિને વિદેશમાંથી દાન લેવા માટે ભારત સરકાર પાસેથી પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્ર આવી ગયા બાદ જ વિદેશવાળી રકમ દાન કરી શકાય. આમ મોરારી બાપૂની વ્યાસપીઠના માધ્યમથી લગભગ રૂ. 18-19 કરોડની રકમ રામ મંદિરની સેવામાં સમર્પિત થઇ છે.
 
પૂજ્ય બાપુએ ઉમેર્યું હતું કે, ચિત્રકૂટધામ ટ્રસ્ટ તરફથી સમગ્ર રાષ્ટ્રમાં સેવાનો અભિયાન શરૂ થઇ રહ્યો છે ત્યારે શરૂઆતમાં રૂ. 1 લાખની રાશિ ઠાકુરની સેવામાં પ્રદાન કરી રહ્યાં છીએ. દરેક વ્યક્તિના હ્રદયમાં ઉલ્લાસ – આનંદ છે. એક હજાર વર્ષ સુધી કંઇપણ ન થાય તેવું આ દિવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે. તમામ દેશવાસીઓને તેમાં જોડાયેલા છે. કોઇ માનસિક સેવામાં, કોઇ તનુજા સેવામાં, હવે આપણે વિત્ત સેવામાં જોડાવાનું છે. લોકોના ઉત્સાહને જોઇને હું પ્રસન્નતા અનુભવું છું, તેમ પૂજ્ય બાપુએ જણાવ્યું હતું.