1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 29 માર્ચ 2026 (10:40 IST)

રાજકોટના નવા IG નિર્લિપ્ત રાય એક્શનમાં: 29 વોન્ટેડ ગુનેગારોની યાદી જાહેર, વ્યાજખોરો સામે જનતા દરબારનું આયોજન

nirlipt rai ips gujara
nirlipt rai ips gujara
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી IPS અધિકારીઓની બદલીઓમાં, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી ટ્રાન્સફર કરીને 'સુપરકોપ' ની છબી ધરાવતા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના નવા આઈજી (IG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ ગતિશીલ એક્શન મોડમાં આવી ગયા છે. તેમની આ નવી જવાબદારીમાં પાંચ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનું અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવાનું મિશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
 

29 વોન્ટેડ ગુનેગારોની યાદી અને ઇનામની જાહેરાત 

 
નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લાઓ - દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામીણ અને સુરેન્દ્રનગરમાં લાંબા સમયથી ફરાર 29 અગ્રણી ગુનેગારોની વોન્ટેડ યાદી તૈયાર કરી છે. આ તમામ આરોપીઓ સામે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવી લેવામાં આવ્યા છે. આ ગુનેગારોને પકડવા માટે પોલીસે જનતાની મદદ માંગી છે અને તેમના વિશે સચોટ માહિતી આપનારને 5,000 થી 20,000 રૂપિયા સુધીના રોકડ ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
 
વ્યાજખોરો સામે લોકદરબાર: 
 
IG સાહેબ સીધા જનતાને મળશે ગુનેગારો સામે લાલ આંખ કરવાની સાથે, ગેરકાયદેસર વ્યાજખોરીથી પીડિત નાગરિકો માટે નિર્લિપ્ત રાયે બે દિવસીય જનસંપર્ક કાર્યક્રમ (લોકદરબાર) ની જાહેરાત કરી છે. 1 અને 2 એપ્રિલના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તેઓ રાજકોટ સ્થિત IG ઓફિસ ખાતે વ્યક્તિગત રીતે હાજર રહીને લોકોની ફરિયાદો સાંભળશે. આ માટે પીડિત નાગરિકોને નિર્ધારિત સમયે અને સ્થળે રૂબરૂ આવીને પોતાની ફરિયાદ નોંધાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
 
ગુનેગારોમાં ડરનો માહોલ અને કડક અધિકારીનો પરિચય વર્ષ 2010 ની બેચના IPS અધિકારી નિર્લિપ્ત રાય મૂળ ઉત્તર પ્રદેશના છે અને વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાત કેડરમાં તેમની કડક કાર્યશૈલી અને ગુનેગારોમાં તેમના ખોફ માટે જાણીતા છે. તેમની કામગીરીથી વિપક્ષના નેતાઓ પણ પ્રભાવિત રહ્યા છે. હવે રાજકોટ રેન્જમાં તેમની નિમણૂકથી અને શરૂઆતી કડક એક્શનથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.