રાજયના દરેક નાગરિકની જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા, આજથી આટલી પથારીથી સુવિધા ઉમેરાઇ

Nitin Patel
Last Modified રવિવાર, 18 એપ્રિલ 2021 (18:32 IST)


કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખે. કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્થિતિ સામાન્ય જણાતી હોય તો હોમ આઇસોલેશનમાં રહીને સંજીવની રથ દ્વારા આપવામાં આવતી સારવાર મેળવવા નાયબ મુખ્યમંત્રી એ અપીલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ આજે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટની હોસ્પિટલમાં નિર્મણાધીન હોસ્ટેલમાં ઉભી કરાયેલ નવીન કોવિડ પથારીઓનું નિરીક્ષણ કર્યુ હતુ.
રાજ્યભરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઓક્સિજનની સુવિધા ધરાવતી પથારી પર મેળવવી પડતી સારવારની જરૂરિયાતને વહેલી તકે સંતોષવા નાયબ મુખ્યમંત્રી એ યુ.એન. મહેતા હોસ્ટેલમાં 160 ઓક્સિજનની પથારી ધરાવતી સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચન કર્યું હતુ.

જેને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ દ્વારા પી.આઇ.યુ. ના સહયોગથી ખૂબ જ ટૂંકા ગાળામાં કાર્યરત કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ વિધિવત રીતે દિવાંજલી કરીને નવિન 160 પથારીઓ પર સારવાર માટે આવનાર કોરોનાગ્રસ્ત દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધન સિવિલ મેડીસીટીની કોવિડ ડેઝીગ્નેટેડ કિડની હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા યુક્ત 80 પથારી, જી.સી.આર.આઇ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં વધુ 30 ઓક્સિજનયુક્ત પથારી વધારવાની જાહેરાત કરી હતી.મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કિડની હોસ્પિટલમાં કાર્યરત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં પણ ટૂંક સમયમાં વધુ 100 જેટલી પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન બેડની ક્ષમતા વધારવાનુ સુદ્રઢ આયોજન કરાયુ હોવાનું
નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્ર સરકારના સંચાલન હેઠળ ડી.આર.ડી.ઓ.ના સહયોગથી ખૂબ જ ટૂંકા ગાળામાં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે નિર્માણ પામી રહેલા 900 કોવિડ બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. આ બદલ તેઓએ કેન્દ્ર સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થનાર દર્દીઓમાં વાયરસની ગંભીરતાનું પ્રમાણ વધુ છે. કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ આ તબક્કે કોરોનાગ્રસ્ત દર્દીના ફેફસામાં વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેથી દર્દીને ઓક્સિજનની જરૂરિયાત વધુ જણાઇ આવે છે.

નાયબ મુખ્યમંત્રી એ કહ્યું કે, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ પર વહેલી તકે નિયંત્રણ મેળવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારની હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો,રેમડેસિવીર, ટોસિલિઝુમેબ જેવા અતિ મોંધા ઇન્જેકશનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવતુ હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતુ.

રાજ્યમાં 108 એમ્બયુલન્સમાં દર્દી જ્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થવા જાય છે અને ઓક્સિજન બેડ ભરાયેલ હોવાના કારણે એમ્બ્યુલન્સમાં રાહ જોવી પડે ત્યારે એમ્બ્યુલન્સમાં પણ દર્દીને 5 થી 6 કલાક ઓક્સિજન પર સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા અને સુવિધા 108ની એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તેઓએ મીડિયા સમક્ષ ઓક્સિજન વપરાશનો ચિતાર આપતા કહ્યું કે, અગાઉ
સિવિલ મેડિસીટીની 1200 બેડ હોસ્પિટલ સહિતની અન્ય કોવિડ ડેઝીગ્નેટેડેડ હોસ્પિટલમાં પ્રતિદિન થતા ઓક્સિજનના વપરાશની સરખામણીએ અત્યારે હાલનો વપરાશ વધ્યો છે પરંતુ સરકાર આ વપરાશને પહોંચી વળવા સક્ષમ હોવાનું કહી સરકાર દ્વારા ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો તમામ સરકારી હોસ્પિટલમાં પૂરો પાડવામાં આવી રહ્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી એ કહ્યું હતુ.

રાજ્યમાં કોરોના વધતા સંક્રમણમાં દર્દીનારાયણની દિવસ- રાત સારવાર કરવા અને તેમને સાજા કરીને ઘરે મોકલવા ના અડગ નિર્ધાર સાથે રાઉન્ડ ઘ ક્લોક કાર્ય કરી રહેલા રાજ્યના તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સફાઇકર્મીઓ, ટેકનીશિયનો જુસ્સાને બિરદાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

સરકાર અને પ્રજાના સહિયારી પ્રયાસોથી જ કોરોનાની એકાએક આવી પડેલી મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે તેમ નાયબ મુખ્યમંત્રી એ કહ્યું હતુ. રાજયભરમાં સમાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ તરફથી કોરોનાગ્રસ્તદર્દીઓની સેવા-સુશ્રુષા કરવા માટે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવા માટે આવી રહેલા પ્રસ્તાવ ને નાયબ મુખ્યમંત્રીએ આવકારી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો :