1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (13:05 IST)

કમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બીનજરુરી નિવેદનોથી દુર રહેઃ નિતીન પટેલ

Nitin patel news
કોંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે શાબ્દિક વિવાદ વેગ પકડી રહ્યો છે. નર્મદાનાં પાણીથી શરૂ થયેલી નિવેદનબાજી હવે ગીરના સિંહ સુધી પહોંચી છે. મધ્ય પ્રદેશ ગુજરાતને નર્મદાનું પાણી આપે છે પરંતુ સુપ્રીમના આદેશ છતાં ગુજરાત સરકાર મધ્ય પ્રદેશને સિંહ આપતું નથી તેવી મધ્ય પ્રદેશના મંત્રી દ્વારા કરાયેલી ટિપ્પણી બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મધ્ય પ્રદેશ સરકારને ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બિનજરૂરી રાજકીય નિવેદનોથી દૂર રહે. 
નીતિન પટેલે જણાવ્યું કે મધ્ય પ્રદેશના મંત્રીઓ નર્મદાનાં પાણી અને સિંહ મુદ્દે ગુજરાતને સાંકળી લઇને બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે. નર્મદા યોજના એ માત્ર મધ્ય પ્રદેશની નથી ચાર રાજ્યોની ભાગીદારીવાળી યોજના છે, આ પ્રકારે પાણી રોકવાની ધમકી ચાલી શકે નહીં. ગુજરાતના સિંહના સ્થળાંતરનો મુદ્દો અને નર્મદાનાં પાણીનો મુદ્દો બંને અલગ અલગ વિષય છે. તેના ઉપર બેજવાબદાર નિવેદનો કરવા યોગ્ય નથી. 
જ્યારથી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી આવા નિવેદનો થઇ રહ્યા છે. રાજ્યો વચ્ચે દ્વેષ ઊભો થાય એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઇએ. મધ્ય પ્રદેશને ગુજરાત સાથે કોઇ મુદ્દો હોય તો તેમના મુખ્યપ્રધાન ગુજરાતના મુખ્યપ્રધાન સાથે સીધી વાતચીત કરે, મંત્રીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે અથવા બંને સરકારના અધિકારીઓ વાટાઘાટ કરી શકે છે. આ પ્રમાણેના રાજકીય નિવેદનનો કોઇ અર્થ સરતો નથી.