શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (13:26 IST)

ગુજરાતમાં 4 લાખ મત નોટામાં પડ્યા, સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં

2014 લોકસભાની જેમ 2019માં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ 26 બેઠક પર યોજાયેલી ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્ય ચાર શહેર અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં NOTAમાં વધુ મત પડ્યા હતા. ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 396570 મત નોટામાં પડ્યા હતા. જેમાંથી આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં-22914, છોટાઉદેપુર-32868, દાહોદ-30987 અને વલસાડમાં 19307 મળીને કુલ 106076 મત નોટામાં પડ્યા હતા. જ્યારે બીજી તરફ ચાર મુખ્ય શહેર અમદાવાદ(પૂર્વ)-8813, અમદાવાદ(પશ્ચિમ)- 14719, રાજકોટ-18318, સુરત-10532 અને વડોદરા-16796 મળી કુલ 69178 મત નોટામાં પડ્યા હતા. ચાર મુખ્ય શહેરો અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 888210 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને 333642 મત મળ્યા છે. આ સિવાયના તમામ 15 ઉમેદવારોને 7 હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર 687 મત મળ્યા છે.