બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (11:53 IST)

કોરોના વાયરસના પડકારને પહોંચી વળવા ભારત સજ્જ છે: વૈજ્ઞાનિક રાગેશ શાહ

અમદાવાદ સ્થિત ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના ચેરમેન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક રાગેશ એમ. શાહના જણાવ્યાં અનુસાર ભારતમાં પણ હવે નોવેલ કોરોના વાયરસનું સ્કેનિંગ શક્ય છે. 2002માં જ્યારે ચીન અને અન્ય દેશોમાં ‘સાર્સ’(સીવીયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) કોરોના વાયરસનો ઉપદ્રવ વ્યાપક રીતે પ્રસર્યો ત્યારે ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે વ્યાપક કામગીરી બજાવી હતી. 
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ હજી આ નવા વાયરસની ઓળખ પ્રસ્થાપિત કરવાની બાકી હોવા છતાં તે ‘સાર્સ’ કોરોના વાયરસની નિકટનો હોવાની બાબત સ્પષ્ટ છે. સાર્સ અને ત્યારબાદ સ્વાઈન ફ્લુ (એચ1એન1 ફ્લુ વાયરસ) પર કામ કરવાના વ્યાપક અનુભવને આધારે ઈન્સ્ટિટ્યુટે નોવેલ કોરોના વાયરસને સ્કેન કરવા માટેના મશીનોના ઉત્પાદન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડબલ્યુએચઓએ પણ આ ઉપદ્રવને હેલ્થ ઈમરજન્સી તરીકે ઘોષિત કરી છે.
 
ઈન્સ્ટિટ્યૂટ જન આરોગ્યને લગતી સમસ્યાઓના સમાધાન માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઈષ્ટતમ ઉપયોગ માટે જાણીતું છે. જન આરોગ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ફાળા બદલ 1999માં ઈન્ડિયા ટૂડે દ્વારા રાગેશ શાહનો મિલેનિયમના 17 પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં સમાવેશ કરાયો હતો. તેઓ બાયો મેડિકલ એન્જિનિયર છે. કુંભ મેળા દરમિયાન જાહેર સ્વાસ્થ્યમાં તેમણે આદરેલી પહેલ બદલ તેમનું આ સન્માન કરાયું હતું.
 
જો કોઈ સંજોગોમાં ભારતમાં આ વાયરસ ફેલાય તો તેની સાવચેતી માટે ઈન્સ્ટિટ્યૂટે લોકોને અલગ રહેવાની તાલીમ અને અસરગ્રસ્ત લોકોના પૃથ્થકરણની તાલીમ આપવા જેવા ક્ષમતા વધારવા માટેના પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ સાથે જ તેણે લોકોને મશીન કેવી રીતે ઓપરેટ કરવું તેની તાલીમ આપવાનું પણ શરૂ કર્યું છે.
 
નોવેલ કોરોના વાયરસ માટે મશીન તૈયાર કરવા અને અન્ય માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં સાર્સનો અનુભવ અને માહિતીઓ ઘણી ઉપયોગી પુરવાર થઈ રહી છે. સાર્સના ઉપદ્રવ દરમિયાન ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ચીન, મલેશિયા તથા ગુજરાતની સરકારો સાથે સંયુક્તપણે સક્રિય કામગીરી બજાવી હતી. પ્રારંભિક સ્તરે ઈન્સ્ટિટ્યૂટે દ્વિસ્તરીય વ્યૂહરચના અપનાવી છે. પ્રથમ સ્તરની કામગીરી હેઠળ ઈન્સ્ટિટ્યૂટે મશીન કેવી રીતે ચલાવવું તે અંગે લોકોને તાલીમ આપવી શરૂ કરી છે, જ્યારે બીજી બાજુ તે દર્દીઓની માહિતીઓનું વિશ્લેષણ કરી રહી છે જેથી ભવિષ્ય માટેની સલામત સિસ્ટમ તૈયાર કરી શકાય.
 
રાગેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે સાર્સ તથા સ્વાઈન ફ્લુ જેવી બીમારીઓમાં ઈન્સ્ટિટ્યૂટના વ્યાપક અનુભવ અને નિપુણતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તેને આ સમસ્યામાં કામગીરી માટે પોતાની સાથે સામેલ કરી છે. આ નવા પડકારને પહોંચી વળવા માટે ચીન અને અન્ય દેશો સંપૂર્ણ રીતે સજ્જ હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સાર્સના ઉપદ્રવ વખતે તેમની પાસે તબીબી અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહોતી પરંતુ આ વખતે દુનિયા તેને પહોંચી વળવા પૂરતી રીતે સજ્જ છે.
 
હાલના સમયે ઈન્સ્ટિટ્યૂટ પણ જાહેર આરોગ્ય સામેના આ નવા પડકારને બહેતર રિસ્પોન્સ ટાઈમમાં પહોંચી વળવા માટે સિસ્ટમ તૈયાર કરવા માટે સજ્જ છે. નોવેલ કોરોના વાયરસ અંગે માહિતી આપતાં રાગેશ શાહે જણાવ્યું હતું કે તે સાર્સની તુલનાએ પ્રમાણમાં ઓછો ગંભીર પરંતુ વધુ ચેપી છે. તેને કારણે મૃત્યુ ઓછાં છે પરંતુ તેનો ફેલાવો ઘણો વધુ છે. અન્ય ઈન્સ્ટિટ્યૂટ કરતાં તેમનું ઈન્સ્ટિટ્યૂટ અલગ હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે તેમની સંસ્થા સમસ્યાના ઉકેલ માટે ક્લિનિકલ રિસર્ચને બદલે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુકે છે. અમે નિદાન કેન્દ્રીતને બદલે ઉકેલ કેન્દ્રીત સંસ્થા છીએ તેમ તેમણે જણાવ્યું હતું.