બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (13:08 IST)

મધ્યપ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા, ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો પહોંચી

ભારતમાં સક્રિય કેસોનું ભારણ આજે 1,51,708 થઇ ગયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 1.37% છે. કેટલાક રાજ્યોમાં તાજેતરમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યામાં આવેલા ઉછાળાના કારણે આમ થયું છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
 
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 16,738 કેસ પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલામાંથી 89.57% કેસ 7 રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 8,807 દર્દી પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે કેરળમાં વધુ 4,106 જ્યારે પંજાબમાં વધુ 558 નવા કેસ નોંધાયા છે.
 
કેન્દ્ર દ્વારા કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત તેમજ જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ)માં કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિના કારણો જાણવા માટે તેમજ કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંઓમાં રાજ્ય આરોગ્ય વિભાગો સાથે સંકલન કરવા માટે ઉચ્ચ સ્તરીય બહુ-શાખીય ટીમો નિયુક્ત કરવામાં આવી છે.
 
કેન્દ્ર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સંક્રમણની સાંકળ તોડવા માટે સઘન પગલાં લેવા પર ધ્યાન આપવાની પણ તાકીદ કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં RT-PCR અને રેપિડ એન્ટિજેન પરીક્ષણો વચ્ચે યોગ્ય વિભાજન સાથે કેન્દ્રિત રીતે પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની તેમજ લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને જો એન્ટિજેન પરીક્ષણ નેગેટિવ આવે તો RT-PCR દ્વારા ફરજિયાતપણે પરીક્ષણ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે. 
 
પોઝિટીવ આવ્યા હોય તેવા લોકોને અવશ્યપણે તાત્કાલિક ધોરણે આઇસોલેશન/હોસ્પિટલમાં મોકલવા તેમજ તેમના નજીકનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરીને સહેજ પણ વિલંબ કર્યા વગર તેમનું પરીક્ષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમને સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે નિયમિત ધોરણે ઉભરતી પરિસ્થિતિની કટોકટીપૂર્ણ સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં કોવિડ-19ના વ્યવસ્થાપનમાં મળેલી સફળતા નિષ્ફળ ના જાય. બીજી તરફ, દેશમાં કુલ પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ કુલ પોઝિટીવિટી દર 5.17% નોંધાયો છે.
 
હંગામી અહેવાલ પ્રમાણે આજે ગઇકાલે સવારે 7 વાગ્યા સુધીની સ્થિતિ અનુસાર, કુલ 2,64,315 સત્રોનું આયોજન કરીને કુલ 1,26,71,163 લાભાર્થીઓને રસીકરણ કવાયતમાં આવરી લેવામાં આવ્યા છે. આમાં 65,47,831 HCW (1લો ડોઝ), 16,16,348 HCW (2જો ડોઝ) અને 45,06,984 FLW (1લો ડોઝ) સામેલ છે.
 
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021ના રોજથી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
 
રસીકરણ કવાયતના 40મા દિવસે (24 ફેબ્રુઆરી 2021) કુલ 5,03,947 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી, 9,959 સત્રોમાં 2,87,032 લાભાર્થીઓને પ્રથમ ડોઝ (HCW અને FLWs) અને 2,16,915 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
 
કોવિડ વિરોધી રસી પ્રાપ્ત કરનારા કુલ 1,26,71,163 લાભાર્થીઓમાંથી 1,10,54,815 (HCW અને FLW) એ રસીનો પ્રથમ ડોઝ અને કુલ 16,16,348 HCWએ બીજો ડોઝ પ્રાપ્ત કર્યો છે. રસીના કુલ ડોઝમાંથી 56%થી વધારે ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. આમાંથી પ્રત્યેક રાજ્યમાં 6 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. કુલ આપવામાં આવેલા ડોઝમાંથી ઉત્તરપ્રદેશમાં 9.68% (12,26,775) ડોઝ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે.
 
બીજા ડોઝ તરીકે આપવામાં આવેલી રસીમાંથી 61% લાભાર્થીઓ આઠ રાજ્યોમાંથી છે. કર્ણાટકમાં સૌથી વધુ સંખ્યામાં HCWને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જેની સંખ્યા 11.08% (1,79,124) છે. 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્યતા ધરાવતા 80%થી વધારે HCWને રસીનો બીજો ડોઝ આપવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આમાં લદાખ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, દમણ અને દીવ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, લક્ષદ્વીપ, કેરળ, ગુજરાત, ત્રિપુરા, તેલંગાણા, ઉત્તરાખંડ, સિક્કિમ છે.
 
10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60%થી વધારે નોંધાયેલા FLWને રસી આપવામાં આવી છે. આમાં દાદરા અને નગર હવેલી, રાજસ્થાન, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,07,38,501 સુધી પહોંચી ગઇ છે. આજે સાજા થવાનો સરેરાશ દર 97.21% નોંધાયો છે. કુલ સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેના તફાવતમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જે આજે 10,586,793 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,799 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.