શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (15:11 IST)

પાટીદાર યુવતીઓને બીજા સમાજમાં કે રોમિયો સાથે લગ્ન કરતા અટકાવશે PSS

હાર્દિક પટેલ હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સાથે મધ્ય પ્રદેશના પ્રવાસે છે. જ્યાં તે બીજેપી વિરૂદ્ધ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. તો બીજી બાજુ PAAS  દ્વારા રાજ્યમાં પોતાની જ્ઞાતિ અને સમાજ માટે એક નવો એજન્ડા સેટ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બોટાદના સમઢીયાળા ગામે પાસના સભ્યોનું અધિવેશન મળ્યું હતું. જેમાં બોટાદ પાસ કમિટીના કન્વિનર દિલીપ સાબવાની આગેવાનીમાં પાટીદાર સુરક્ષા સેના(PSS)ની રચના કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સેના રાજ્યની દરેક પાટીદાર કન્યા પાટીદાર સમાજમાં જ લગ્ન કરે અને અન્ય સમાજ કે ધર્મમાં અથવા રસ્તે રખડતા રોમિયો સાથે લગ્ન ન કરે તે અંગે ધ્યાન રાખશે. આ મામલે પાસના સભ્ય સાબવાએ કહ્યું કે અમારા કાર્યકરો તપાસ કરશે કે શું કોઈ પાટીદાર કન્યાને બીજી જ્ઞાતિ કે ધર્મનો છોકરો ભોળવી રહ્યો છે અને જો જરૂર જણાશે તો આવા સંબંધનો વિરોધ કરવા અમે જે તે છોકરા વિરુદ્ધ પગલા ભરીશું. એક પુખ્ત વયની છોકરીની ઇચ્છા મુજબ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન ન કરવા દેવા અંગે સાબવા કહ્યું કે, એવા ઘણા બનાવ બન્યા છે, જેમાં અન્ય સમાજ કે ધર્મનો છોકરો અમારા સમાજની છોકરીને ભોળવી જાય છે અને પછી તેનું જીવન નર્ક બની જાય છે ત્યારે સમાજના હિતોનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે. માત્ર એટલું જ નહીં, સાબવાએ તો ત્યાં સુધી કહ્યું કે, અમે પોલીસથી પણ ઉપરવટ જઈને કામ કરીશું અને અમારા સમાજના પ્રશ્નોને પોલીસમાં લઈ જવાની જરૂર નથી આ સિવાય સાબવાએ કહ્યું કે, અમારા કાર્યકર્તાઓ પાટીદાર સમાજના યુવાનોને પણ મદદરુપ થશે. જો કોઈ પાટીદાર યુવાનને અન્ય સમાજ કે જ્ઞાતિના યુવકો પરેશાન કરતા હશે તો અમારા કાર્યકર્તાઓ યુવાનની મદદ કરશે. જ્યારે સાબવાને પૂછવામાં આવ્યું કે આ નિર્ણયને પાસના કન્વિનર હાર્દિક પટેલે મંજૂરી આપી છે ત્યારે સાબવાએ કહ્યું કે,હાર્દિક હાલ મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેથી તેને પુછવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. હાર્દિક જેલમાં હતો ત્યારે પણ અમે અમારી લડત ચાલુ જ રાખી હતી. અમે પાસમાં છીએ અને પાસના સભ્ય તરીકે અમારી મૂવમેન્ટને આગળ ચલાવીશું