પ્લાસ્ટિકનો વિકલ્પ - બટાકાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ, જો સફળ થશે તો બદલાય જશે ખેડૂતોની જીંદગી
પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણને તો બચાવી શકાશે જ સાથે જ બટાટા પકવતા ખેડૂતોની જિંદગી પણ બદલાય જશે. આ પ્રોજેકટનું સંશોધન અંદાજે 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
હાલ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે. તાજેતરના સમયમાં વર્ષમાં 1 લાખ 50 હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ 2050 સુધીમાં જે વધીને 761 મેટ્રિક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશિષ પટેલને રૂા.47 લાખનો રિસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી પર્યાવરણનું જતન અને એની જાળવણી થશે.
કુદરતી રીતે નાશ પામતું હોવાનો દાવો
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના ડો. આશિષ પટેલની આગેવાનીમાં બાયોપ્લાસ્ટિકનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. લેબોરેટરીમાં હાલ પર્યાવરણની જાળવણી થાય એ માટે બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવા સંશોધન કરવામાં આવી રહ્યું છે. આપણે હાલ જે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છીએ એનો નાશ થવામાં સેંકડો વર્ષ લાગી જાય છે. જ્યારે બાયોપ્લાસ્ટિક અઠવાડિયામાં જ કુદરતી રીતે નાશ પામતું હોવાનો દાવો કરાયો છે.
તો બટાટા પકવતા ખેડૂતોનું 'નશીબ' બદલાશે
સમગ્ર ભારતમાં બટાટાનું હબ ગણાતા ડીસામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, જેને કારણે ખેડૂતોને પૂરતા ભાવ પણ મળતા નથી. ત્યારે જો બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને એના પૂરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે.