રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (12:56 IST)

PM મોદીની દરખાસ્ત અને અડવાણીના ટેકાથી કેશુભાઈ પટેલ ફરી બન્યા સોમનાથ મંદિરના અધ્યક્ષ,

આજે બુધવારે સોમનાથ મંદિરના ટ્રસ્ટની મીટિંગમાં મોદી સહિત 7 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જેમાં બંધ બારણે ચર્ચાઓ કરવામાં આવી હતી. એક સમયે નારાજગી વ્હોરી લેનાર કેશુભાઇ પટેલને ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. મોદીએ ખૂદ કેશુભાઇ પટેલના નામની દરખાસ્ત કરી હતી, જ્યારે અડવાણીએ કેશુબાપાના નામ પર ટેકો આપ્યો હતો.

મીટિંગમાં સોમનાથના દરિયા કિનારે નવો પ્રોજેક્ટ બનાવવાની પણ ચર્ચા થઈ હતી. મંગળવારે ભરૂચમાં મોદીએ કેશુબાપાના વખાણ કર્યા હતા બાદ આજે તેમને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવા માટે જાતે દરખાસ્ત મૂકતા આ એક નવો સંકેત હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક સમયે રાજ્યની સત્તા માટે કેશુભાઇ પટેલને સાઇડ લાઇન કરનાર નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ટ્રસ્ટ માટે કેશુબાપાના નામની જાતે દરખાસ્ત મૂકી હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આ એક નવો સંકેત હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, પી કે લહેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2017 માટે કેશુભાઇ પટેલની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ બેઠક અંગે ટ્રસ્ટી પી.કે.લહેરીએ કહ્યું હતું કે, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આજે બેઠક મળી હતી જેમાં અહીં આવતા યાત્રિકોની સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે એ મુદ્દે ભાર મુકાયો હતો.