શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (14:07 IST)

વડોદરા ગેંગરેપ કેસમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી, એક યુવતીનો રિક્ષા ચાલક મિત્ર અને બીજો ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલો છે

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જે પૈકી એક રિક્ષા ચાલક પકડાયો છે, તે યુવતીનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજો વ્યક્તિ ઓએસિસ સંસ્થા સંકળાયેલો છે. બીજી તરફ આજે પણ અમદવાદ ક્રાઇમ બ્રાંચ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડની મુલાકાત લઇને કેસની તપાસ કરી હતી.
 
પોલીસે ચાણોદ સ્થિત ઓએસિસની ઓફિસમાં તપાસ કરી
ગેંગરેપની ઘટનામાં પરિચીતોની જ ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પીડિતાની સાઇકલ હજી ગાયબ છે. જેથી પોલીસે વેક્સિન મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પુછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યાં હતા. ચાણોદ સ્થિત ઓએસિસની ઓફિસમાં પોલીસ દ્વારા આજે ફરી તપાસ હાથ ધરવામાં આવી છે.
 
તપાસનો દોર કર્ણાટક સુધી લંબાયો છે
પોલીસ તપાસનો દોર કર્ણાટક સુધી લંબાયો હતો. તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખ્સે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. બીજી તરફ પોલીસને હજી સુધી સાઇકલ મળી આવી નથી. પોલીસની એક ટીમે ચાણોદની ઓએસિસ સંસ્થાની ઓફિસના મકાન તથા ગંગોત્રી એપાર્ટમેન્ટની ઓફિસમાં પણ ફરીથી સર્ચ કર્યું હતું. આ ઉપરાંત નશેબાજો તથા ભંગારિયાઓની પણ પૂછપરછ કરાઇ હતી.
 
15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા
પોલીસે વેક્સિન મેદાનની આસપાસ બનાવના દિવસ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને તે સમયે તે વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઇલ ફોનની તપાસ શર કરી છે જેમાં અત્યાર સુધી 15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સીસીટીવી ફુટેજના ઉંડો અભ્યાસ કરી રહી છે, જેમાં એક સ્થળે બે આરોપી ભાગી ને જતાં જોવા મળી રહ્યા છે.
 
ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે, આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રીક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.