મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2024 (12:20 IST)

ગુજરાતમાંથી 32 દિવસમાં રૂ.96 કરોડની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઇ

liquor
ગુજરાતમાંથી 32 દિવસમાં રૂ.96 કરોડની બે નંબરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઇ છે. જેમાં ડ્રાય સ્ટેટમાંથી 13 કરોડનો 4.42 લાખ લિટર દારૂ પકડાયો છે. તેમજ પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ-12ના એક્સ્ચેન્જ માટે 18મીએ રાજ્યકક્ષાનો મેળો છે તેથી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. તેમજ ફ્લાઈન્ગ સ્ક્વોડ તથા સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કુલ રૂ.96.45 કરોડની પ્રતિબંધિત ચીજો ઝડપાઇ છે.

ગુજરાત માટે 16મી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં રાજ્યભરમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને દેખરેખ માટે ઊભી કરેલી 756 ફ્લાઈંગ સ્ક્વોડ તથા 1203 સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કુલ રૂ.96.45 કરોડની બેનંબરી ગેરકાયદે અને પ્રતિબંધિત ચીજો ઝબ્બે કરાઈ છે. આ બધી ચીજવસ્તુઓ દારૂ, ઝવેરાત, ડ્રગ્સ, નશીલા પદાર્થો વગેરે સામેલ છે. અત્યાર સુધીમાં આચારસંહિતાનો ભંગ કરતા 2,26,254 બેનર્સ-પોસ્ટર્સ-હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે. જે પૈકી સરકારી મિલકતો ઉપરથી 1,65,382 અને ખાનગી મિલકતો ઉપરથી 60,872 બેનર્સ-પોસ્ટર્સ- હોર્ડિંગ્સ ઉતારાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,429 ચૂંટણી વિષયક ફરિયાદોનો ઢગ ખડકાયો છે. જે પૈકી કેન્દ્રની સી-વિજિલ મોબાઈલ એપ ઉપર 2058, નેશનલ ગ્રિવન્સ સર્વિસીસ પોર્ટલ ઉપર મતદાર ઓળખકાર્ડ અંગેની 7117, મતદાર યાદી સંબંધી 658, મતદાર કાપલી સંબંધી 184 તથા અન્ય 1781 મળીને કુલ 9740, ચૂંટણી પંચના કાર્યાલય ખાતેના કંટ્રોલરૂમમાં 144 તેમજ કાર્યાલયમાં મીડિયા મારફતે 16, ટપાલ-ઈમેઈલ દ્વારા રાજકીય પક્ષોની 12, ચૂંટણી પંચ સંબંધી 42 તથા અન્ય 417 મળીને 487 ફરિયાદો સમાવિષ્ટ છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છેકે, પોલિંગ સ્ટાફ-પોલીસ તથા અન્ય સરકારી કર્મચારીઓ-સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ વગેરે દ્વારા પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટે ભરાયેલા ફોર્મ-12ના જિલ્લા મુજબ એક્સચેન્જ માટે 18મી એપ્રિલે અમદાવાદ દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે રાજ્યકક્ષાનો એક્સ્ચેન્જ મેળો યોજાશે, જેમાં 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ હાજર રહી પરસ્પર ફોર્મ-12ની આપ-લે કરશે.