અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોવામાં આવે તો ભાવનગરના મહુવામાં 81 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે તળાજામાં 77 મિમી, ભરૂચના હાંસોટમાં 72 મિમી, ગાંધીનગરના દહેગામમાં 71 મિમી, છોટા ઉદેપુરના ક્વાંટમાં 62 મિમી, ડાંગમાં 59 મિમી, સુરતના મહુવામાં 56 મિમી, ગાંધીનગરમાં 56 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 52 મિમી, છોટા ઉદેપુરના બોડેલીમાં 46 મિમી, ભાવનગરના ઘોઘામાં 45 મિમી, કલોકમાં 45 અને કડીમાં પણ 45 મિમી વરસાદ પડ્યો છે.
તાજેતરમાં પડેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોને મુશ્કેલ સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ગઢડા તાલુકાના ભંડારીયા સહિતના ગામોમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે. બોટાદ જિલ્લામા ખેતીમાં મુખ્યત્વે કપાસ નું વાવેતર થાય છે, જિલ્લા કુલ ૧ લાખ ૫૩ હજાર હેક્ટર મા કપાસનું વાવેતર થયું છે. ખેડૂતોએ રાત-દિવસની મહેનત કરીને તૈયાર કરેલો કપાસનો પાક તૈયાર થયો અને વિણવાનો સમયે જ કમોસમી વરસાદની ઝપેટમાં આવી ગયો છે. ગઢડા તાલુકાના ભંડારીયા ગામ સહિત સમગ્ર બોટાદ જિલ્લામા કપાસના પાકને મોટું નુકશાન પહોંચ્યું છે, જેના કારણે જગતનો તાત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અન્ય ગામોમાં પણ કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાની થઈ હોવાના અહેવાલો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકનો સોથ વળી ગયો છે, અને ખેડૂતોએ ભારે લાચારી અનુભવી રહ્યા છે.
તેવી જ રીતે સંખેડા, વાગરા, ધંધુકા, શિહોર, ઓલપાડ, વડોદરા, પાલીતાણા, તિલકવાડા, નસવાડીમાં પણ સવા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું હતું છે હજુ પણ ત્યાં જ સ્થિત છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં આ ડિપ્રેશન વેરાવળના દરિયાકિનારાથી 400 કિમી, મુંબઈના તટથી 510 કિમી, પણજીના દરિયાકિનારાથી 660 કિમીના અંતરે છે. આગામી 36 કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરે તેવી શક્યતા છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 31 ઑક્ટોબર, શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ શુક્રવારે હળવો વરસાદ પડી શકે છે, જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.