બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2017 (11:32 IST)

ગુજરાતમાં ચોમાસાનો માહોલ...આગામી ચાર દિવસમાં અતિ ભારે વરસાદની ચેતવણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી ચોમાસાનો માહોલ છવાયેલો છે અને દરરોજ અડધાથી પાંચ ઇંચ જેટલો હળવો ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે પણ અડધાથી 5 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને આકાશ કાળા ડીબાંગ વાદળાથી છવાયેલુ છે.
 
શુક્રવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ પડતાં લોકોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. શુક્રવારે વલસાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. નવસારીના ગણદેવી અને બીલીમોરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
 
હવામાન વિભાગ તરફથી આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઇ છે. જયારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે આજે વાદળછાયુ  વાતાવરણ આંશિક કરીને જોવા મળ્યું હતું. જેથી રાજયના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.