ગુજરાતમાં વરસાદી મેઘતાંડવને પગલે એસટી ટ્રીપો રદ, સૌરાષ્ટ્ર રૂટના રેલ વ્યવહારને પણ ગંભીર અસર
અમદાવાદ, ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં આભ ફાટયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના માળીયા મીયાણાં સહિતના પંથકોમાં પૂરની પરિસ્થિતિ બાદ રોડ, રસ્તા અને રેલ્વે ટ્રેકોનું રીતસરનું ધોવાણ થઇ ગયું છે. જેના કારણે આજે સતત બીજા દિવસે પણ એસટી બસ સેવા અને રેલ સેવા બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. રાજયના બે નેશનલ હાઇવે અને 17થી વધુ સ્ટેટ હાઇવે સહિત કુલ 110થી વધુ ધોરીમાર્ગો બંધ હાલતમાં છે, જેના કારણે સંખ્યાબંધ એસટી બસોની ટ્રીપો રદ કરાઇ હતી તો, સૌરાષ્ટ્ર-ક્ચ્છ રૂટના રેલ વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી હતી. જેના કારણે હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા. ખાનગી લક્ઝરી અને વાહનોની સેવા પણ ઠપ્પ જેવી બની રહી હતી. વરસાદી મેઘતાંડવને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકોના વિસ્તારો ખાસ કરીને તમામ રોડ, રસ્તાઓ, જાહેરમાર્ગો અને રાજય ધોરી માર્ગો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રાજયમાં વરસાદી જળપ્રલયના કારણે ગુજરાતભરમાં 110થી વધુ ધોરીમાર્ગો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બે નેશનલ હાઇવે અને 17થી વધુ સ્ટેટ હાઇવેનો સમાવેશ થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તરફના સ્ટેટ હાઇવે અને અનેક રસ્તાઓ હજુ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે સૌરાષ્ટ્ર તરફ જતી સંખ્યાબંધ એસટી બસોની ટ્રીપો રદ કરી દેવાની ફરજ પડી હતી.
ગઇકાલે તંત્રએ 300થી વધુ એસટી બસોની ટ્રીપો રદ કરાતાં હજારો મુસાફરો જબરદસ્ત હાલાકીમાં મૂકાયા હતા, ત્યારબાદ આજે જે માર્ગો પૂર્વવત્ બનાયા તે રૂટની એસટી સેવા ચાલુ કરાઇ હતી પરંતુ બાકીના રૂટ પર સુરક્ષાના કારણોસર હજુ પણ એસટી બસોની ટ્રીપ બંધ રખાઇ હતી. તો, સૌરાષ્ટ્ર રૂટના રેલ વ્યવહારને પણ પણ ગંભીર અસર પહોંચતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. પરિણામે, રેલ્વેના પણ હજારો પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદી જળપ્રલયના કારણે રોડ-રસ્તાઓ અને રેલ્વે ટ્રેક રીતસરના ધોવાઇ ગયા હતા. ઢગલાબંધ બ્રીજ-ગરનાળા પણ તૂટી પડયા હતા. પાણી ભરાયેલા કોઝ વે કે ધોરીમાર્ગો પર પસાર થવાનો પ્રયાસ કરનાર વાહનચાલકોને અકસ્માત અને વાહન સાથે પડવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા.