શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (13:15 IST)

ઉત્તર ગુજરાત અને કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો

ઉત્તર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે ડીસામાં મોડીરાત્રે છુટો છવાયો વરસાદ પડ્યો હતો. બીજી તરફ કચ્છના કેટલાક ગામડાઓમાં આજે સવારે ક્યાંક કરા તો ક્યાંક ઝરમરીઓ વરસાદ પડ્યો હતો. ઠંડી બાદ ગરમી અને હવે માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.આજે સવારથી લખપત અને નખત્રાણા તાલુકાના કેટલાક ગામડાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા તો કેટલીક જગ્યાએ ઝરમરીઓ વરસાદ પડ્યો હતો.બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે મંગળવારે સામાન્ય કરતા વધારે પવન ફૂંકાશે.ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસરોથી મંગળવારે રાજ્યમાં 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમજ બુધવારથી શુક્રવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. જો કે, આગામી 24 કલાક શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.