મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (12:36 IST)

જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોને રવિપાકમાં નુકસાન થવાનો ડર

વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. જેના કારણે શહેરનાં રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. હાલ રવિપાક લણવાનો સમય નજીક છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસનાં વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. વધુમાં ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ રાજ્યમાં બે દિવસ 11 અને 12 માર્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.જામનગર અને લાલપુર વિસ્તારની આસપાસ ખેડૂતોની ચણા અને જીરાના પાકની ખેતરમાં છે. આ રવિપાકને લણવાનો સમય પણ નજીક આવી ગયો છે. ત્યારે આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે.કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી બન્ને સિસ્ટમની અસર હેઠળ 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ વિસ્તારમાં જ્યારે 12 માર્ચે બનાસકાંઠા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. ત્યારબાદ વાતાવરણ સૂકું રહેશે.હવામાને આગાહી કરતા કહ્યું હતું કે, આ સમય દરમિયાન રાતનાં સમયે લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.