મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 ઑગસ્ટ 2025 (13:30 IST)

ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું, જાણો આજથી ક્યા ક્યા પડશે અતિભારે વરસાદ ?

monsoon update
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના પ્રદેશોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે.
 
છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાએ જમાવટ કરી છે અને તે વધુ શક્તિશાળી બન્યું છે. તેના કારણે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં કેટલાંક સ્થળે અતિ ભારે વરસાદ નોંધાયો છે.
 
આ ઉપરાંત બનાસકાંઠા, નર્મદા, અમરેલી અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે એવું હવામાન વિભાગ કહે છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાને ચોમાસાના આ રાઉન્ડમાં આવરી લેવાયા છે.
 
 છેલ્લા ચોવીસ કલાકમાં દમણ અને દાદરા નગર હવેલીમાં 25 મીમી, અમદાવાદમાં સાત મીમી, બનાસકાંઠામાં 28.8 મીમી, ભરુચમાં 22, દાહોદમાં 11, દમણમાં 11, ડાંગમાં 13.4, ખેડામાં 15.5, નવસારીમાં 10.4, પાટણમાં 24.3, વલસાડમાં 20.4, અમરેલીમાં 33.2, દ્વારકામાં18.5, ગીર સોમનાથમાં 44.1, જામનગરમાં 16.5, જૂનાગઢમાં 45.5, મોરબીમાં 34.6, રાજકોટમાં 31.9, સુરેન્દ્રનગરમાં 20 મીમી વરસાદ નોંધાયો છે.
 
રવિવારે બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ હતી. અંબાજીમાં હિંમતનગર માર્ગ રોડ અને અંબાજી પોલીસ સ્ટેશન સામેનો હાઇવે નદી જેવો લાગતો હતો.
 
સુરેન્દ્રનગરમાં ખારાઘોડામાં રણમાં વરસાદના કારણે કેટલાક યુવકો ફસાયા હતા જેને ટ્રૅક્ટર અને બીજાં વાહનોની મદદથી પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં પણ વરસાદના કારણે વઢવાણના મેળામાં પાણી ભરાયાં હતાં અને તમામ રાઇડ્સ તથા મોટાં ચકડોળ બંધ કરવાં પડ્યાં હતાં.
 
અમરેલીના વડીયા પંથકમાં છથી 10 ઇંચ જેટલો વરસાદ પડી જવાથી ખેતીને નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીનાં પાથરા પલળી ગયાં છે. અમરેલીના બગસરામાં વીજળી પડી હતી જેનાથી કેટલાંક ઘરોમાં વીજળીનાં સાધનો બળી ગયાં હતાં.
 
ભાવનગર રાજકોટ હાઈવે પર ભારે વરસાદને કારણે સિહોર નજીક વાહનવ્યવહારને અસર થઈ હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
 
ક્યા ક્યા પડશે અતિભારે વરસાદ ? 
 
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 18 ઑગસ્ટે ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને જૂનાગઢમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
 
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
 
રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
 
19 ઑગસ્ટ, મંગળવારે ગુજરાતમાં છ જિલ્લા અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં મુશળધાર વરસાદ પડશે તેમ બુલેટિન જણાવે છે.
 
મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ઉપરાંત ભરુચ, સુરત, ડાંગ અને તાપીમાં છૂટાછવાયાં સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે.
 
રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્ય વરસાદ પડવાનો છે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.
 
20 ઑગસ્ટ બુધવારે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર 20મીએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટની જાહેરાત છે અને આ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે.
 
આ ઉપરાંત બુધવારે ભરુચ, સુરત, ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો હોવાથી આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં યલો ઍલર્ટ રહેશે અને કેટલાંક સ્થળે ભારે વરસાદ પડશે.
 
21 ઑગસ્ટે ગુજરાતમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવે છે. બાકીના જિલ્લાઓમાં પણ યલો ઍલર્ટની ઘોષણા કરવામાં આવે છે અને ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ જણાવે છે.