Rain in Rajkot- રાજકોટમાં વરસાદનો હાહાકાર, મોદીના રોડ શો પહેલા જ ઠેર ઠેર પાણી ભરાયા
ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહીના પગલે રાજકોટમાં બપોરે ધોધમાર વરસાદે મોદીના રોડ શોની કાયા પલટ કરી નાંખી છે. ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. આજે સાંજે 7 વાગે નરેન્દ્ર મોદીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. મોદીના કાર્યક્રમ સ્થળોએ વરસાદ પડતા પોલીસ, મનપા સહિતના તંત્રમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે. તો બીજી તરફ વરસાદને પગલે દિવ્યાંગોને જ્યાં સાધન સહાય વડાપ્રધાન મોદી આપવાના છે ત્યાં પાણી ભરાયા છે. મોદી રાજકોટ દિવ્યાંગોના કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે સવારે 10 વાગ્યાથી જ દિવ્યાંગો પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે વરસાદથી દિવ્યાંગો પલળી રહ્યા છે.
રાજકોટ નજીક આવેલા ત્રંબાની ત્રિવેણી નદીમાં નર્મદા નીરમાં બાળક ડૂબ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજીડેમ ભરવા માટે ત્રંબાની નદીમાં તાજેતરમાં જ પાણી છોડાયું હતું. ત્રંબાના ગરીબ વાંઝા પરીવાર વિક્રમ નામનો બાળક ડૂબતા દસથી વધુ તરવૈયાએ શોધખોળ હાથ ધરી છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં લો પ્રેશરની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.