વલસાડ અને ઉમરગામમાં બારેમેઘ ખાંગા, શાળાઓ બંધ, પરિવહનને માઠી અસર(જુઓ ફોટા)

Last Updated: મંગળવાર, 26 જૂન 2018 (11:57 IST)

વલસાડ જિલ્લામાં સોમવારે બારેમેઘ ખાંગા થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા. વલસાડ સહિત જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થતાં લોકો પ્રથમ વરસાદે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને ભારે નુકસાન થયું હતું.
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉમરગામ તાલુકામાં વરસાદનું આગમનના પ્રથમ દિને 24 કલાકની અંદર 10 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર રાજયમાં રેકોર્ડ બ્રેક કર્યો હતો. જે રકોર્ડ યથાવત રહેતા ત્રીજા દિવસે પણ ઉમરગામ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસતા ત્રણ દિવસની અંદર 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ગત રોજ ભારે વરસાદ બાદ થોડા વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદના કારણે સમગ્ર ઉમરગામ તાલુકમાં વરસાદના કારણે વિવિધ સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મરોલી, સરીગામ સ્ટેટ હાઇવે, બજાર અને સરીગામ જીઆઇડીસી, ફણસા વિસ્તારના માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સરીગામ જીઆઇડીસીના જુદા-જુદા એકમોમાં પાણી ભરાયા હતા. મેઘાની સવારી મુંબઈ બાદ ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ ધપી રહી છે. ત્યારે રવિવારની મધ્યરાત્રિ બાદ મેઘાએ વલસાડ જિલ્લા પર મહેર વરસાવી હોય તેમ લગાતાર ચાલુ જ રહ્યો હતો. સોમવારે સવારથી જ વરસાદ વરસતાં જિલ્લાભરમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત શહેરના પોશ વિસ્તાર ગણાતા તિથલરોડ અને હાલરરોડ પર વરસાદ પાણીનો ભરાવો થતાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.
શહેરના અનેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોમાસા પહેલાં બરાબર સાફ ન કરાતાં વરસાદી અને ગટરના ગંદા પાણી એકસાથે થઈ જતાં લોકોને ઘૂંટ‌ણ સમા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો સહિત રેલ માર્ગ ઉપર પાણી ફરી વળતાં પરિવહનને માઠી અશર થવા પામતા કલાકો સુધી પરિવહનને અસર થવા પામી હતી. માર્ગ તેમજ રેલ વ્યવહાર ખોટકાતા સ્થાનિક ઉધ્યોગોને પણ અસર થઈ હતી.આ પણ વાંચો :