સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2024 (09:12 IST)

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, આગામી 2 દિવસ વરસાદની આગાહી

rain in ahmedabad
હવામાન વિભાગની આગાહી અનુસાર આખા રાજ્યમાં અને આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો  રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. 
 
આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ એસજી હાઇવે, ગોતા, સાયન્સસિટી, સોલા, ઓગણજ, એસપી રીંગ રોડ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, શીલજ, થલતેજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડી, વાસણા, આશ્રમરોડ, ઉસ્માનપુરા, નવાવાડજ, રાણીપ, ચાંદખેડ, જગતપૂર, ન્યુ રાણીપ, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
 
રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને માત્ર ત્રણ કલાકમાં જ સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં ઝોનવાઇઝ વાત કરીએ તો વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 57 મિલીમીટર એટલે કે સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે સેન્ટ્રલ ઝોનમાં 34 મિલી મીટર એટલે કે દોઢ ઇંચ તો ઇસ્ટ ઝોન માં સૌથી ઓછો 14 મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે સીઝનની વાત કરીએ તો એવરેજ 50 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. 
 
 આગામી 2 દિવસ અહી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં કારણે અનેક ભાગોમાં તાપમાનમાં પણ ફેરફાર થવા પામ્યો છે.
 
ગ્લોબલ વોર્મિંગ અને અન્ય કેટલાક વૈજ્ઞાનિક કારણોને પગલે વરસાદ પડી રહ્યો છે અને ગરમી પણ પડી રહી છે. ગુજરાતમાં અડધા ઓક્ટોબરથી ઠંડકનો અહેસાસ થાય છે, જોકે, આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણા દેશમાં 12 મહિનામાં દર ચાર મહિને 3 ઋતુનો અનુભવ થાય છે. જોકે, પશ્ચિમી દેશોની માફક દેશમાં પણ ગમે ત્યારે વરસાદ તો ગમે ત્યારે તાપમાનમાં વધારો થઈ જાય છે. ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ત્રણ ઋતુઓનું વારાફરતી અનુભવ થવો તે દરેક ક્ષેત્ર માટે અનિવાર્ય છે, પરંતુ જ્યાં ઓક્ટોબરમાં ઠંડીની શરૂઆત થવાની હોય, તેના બદલે હજુ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક જિલ્લામાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.