શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (12:01 IST)

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડાથી 162 લોકોએ જીવ ગુમાવ્યો, 1.49 લાખ હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું

કુદરતિ આપદાઓમાં સૌથી વધુ મોતમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને
 
ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદ-વાવાઝોડાથી 162 વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે જ્યારે 1.49 લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે. આ વર્ષે કુદરતી હોનારતમાં દેશના જે રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. ભારે વરસાદ,વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી NDRF અને SDRFની કુલ 20 ટીમ દ્વારા 77 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા અને પૂરમાં ફસાયેલી 12 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ગત વર્ષે ગુજરાતમાં ભારે વરસાદથી 190 વ્યક્તિના મૃત્યુ થયા હતા.તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં સરકારે માહિતી આપી હતી. 
 
ચક્રવાત-ભારે-વરસાદથી 9922 ઢોર ઢાંખરના મોત
ગુજરાતમાં આ વર્ષે ચક્રવાત-ભારે-વરસાદ-પૂર-ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 9922 ઢોર ઢાંખરના મૃત્યુ થયા છે. જ્યારે 1 લાખ 32 હજાર 710 કાચા તેમજ પાકા મકાનને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે કુદરતી હોનારતમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 489, હિમાચલ પ્રદેશમાંથી 298 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત-ઉત્તર પ્રદેશ 162 સાથે ત્રીજા સ્થાને છે. 25 નવેમ્બર 2021 સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં કુલ 1503 વ્યક્તિના મૃત્યુ થયા છે.
 
ગુજરાતના ખેડૂતો માસિક આવકમાં દેશમાં 10મા ક્રમે
ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક ‌આવક રૂ. 12631 છે જેમાંથી ખેતી અને પશુપાલન માટે તેમને દર મહિને અંદાજિત રૂ. 4611નો ખર્ચ થાય છે. દેશમાં મેઘાલયમાં ખેડૂતોની સૌથી વધારે માસિક આવક રૂ. 29348 છે જેની સામે માસિક ખર્ચ રૂ. 2674 જ છે. પંજાબમાં રૂ. 26701ની આવક સામે ખર્ચ રૂ. 14395 છે. હરિયાણામાં પણ આવક રૂ. 22841ની સામે ખર્ચ રૂ. 15641 છે. ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં 10મો નંબર છે. લોકસભામાં મંગળવારે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના 2019ના સર્વે પ્રમાણે માહિતી સરકાર આપી હતી. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. 10218 છે જ્યારે ખર્ચ રૂ. 4226 છે. 
 
છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી
લોકસભામાં જ મંગળવારે અન્ય એક પ્રશ્નના જવાબમાં માહિતી આપવામાં આવી હતી કે દેશમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 17299 ખેડૂતોએ આત્મહત્યા કહી હતી જેમાંથી ગુજરાતમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. સૌથી વધારે 7486 આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંઘાઇ હતી.