શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (10:18 IST)

ઉત્તર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, વહેલી સવારથી ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારે અમદાવાદમાં દેખાઈ હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે ધીમી ધારે વરસાદી ઝાપટું પડયુ હતું. પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. વરસાદ પડતાં વહેલી સવારે મેદાનમાં LRD ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવતા ઉમેદવારો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે મોટેભાગના વિસ્તારોમાં અમીછાંટણા પડ્યા હતા. આવતીકાલે બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુત્તમ 23.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો.શિયાળાની સિઝનમાં હાડથીજાવતી ઠંડીનાં બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનકજ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અને મંગળવારનાં સાંજનાં સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતો ચિંતીત બન્યાં છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઊના અને ગીરગઢડા પંથકનાં અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાનાં અહેવાલો મળી રહ્યાં છે. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાન થઈ શકે છે. જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે.અમરેલીમાં કેટલાક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે.આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બુધવારે દરિયા કાંઠાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રૂપે માવઠું થઇ શકે છે. દરમિયાન ગુરૂવારથી વાતાવરણ ચોખ્ખું થઇ જશે. જોકે, ફરી માવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જ્યારે માવઠાને લઇને યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરાઇ છે.