1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (17:26 IST)

અમદાવાદના 20 વર્ષના રાજ મહેતાએ નેપાળ અને લદ્દાખમાં ઈ-વ્હિકલના શોરૂમ શરૂ કર્યાં, હવે રાજસ્થાન બિઝનેસ સમિટમાં ભાગ લેશે

ઈંસ્પાઈયરિંગ સ્ટોરી

આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 યોજાશે. આ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા દેશ અને વિદેશમાંથી મુડીરોકાણ લાવવા માટે રોડ શો કરવામાં આવ્યાં છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ જાન્યુઆરીનાં અંતમાં બિઝનેસ સમિટ યોજાશે. આ માટે રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી પણ એક લાખ કરોડના MOU કર્યાં છે. ત્યારે ગુજરાતનો માત્ર 20 વર્ષનો યુવાન ઉદ્યોગકાર રાજસ્થાનની બિઝનેસ સમિટમાં ભાગ લેવાનો છે. અમદાવાદમાં રહેતાં યંગેસ્ટ ઓટોમોબાઈલ ફાઈન્ડર રાજ મહેતાએ ખૂબ જ નાની ઉંમરે ઈલેક્ટ્રિક વ્હીકલનો બિઝનેસ શરૂ કર્યો છે. 
 
રાજ મહેતાએ વેબદુનિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજસ્થાનથી આવેલા પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત થઈ હતી. તેમણે રાજસ્થાનમાં યોજાનાર બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમજ રાજસ્થાનમાં ઈલેક્ટ્રિક વ્હીકલની પોલીસી અંતર્ગત શોરૂમ કે ઉદ્યોગ શરૂ કરીને આગળ કેવી રીતે વધવું તેની ચર્ચાઓ કરી હતી. ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે જ્યાં ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી શરૂ કરવામાં આવી છે. આ પોલીસી શરૂ થઈ તે પહેલાં જ રાજ મહેતાએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આજે તેનું સ્ટાર્ટઅપ એક મોટા બિઝનેસ તરીકે આગળ વધી રહ્યું છે. 
રાજ મહેતાની ગ્રેટા કંપનીના સ્કૂટર હવે 19 દેશોમાં એક્સપોર્ટ કરશે.  તે ઉપરાંત હાલમાં યુરોપમાં લિથુઆનિયા દેશમાં ગ્રેટા કંપનીના વ્હિકલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ત્યાંના પરિવહન મંત્રાલયની મંજુરી મળ્યા બાદ યુરોપમાં પણ અમદાવાદમાં તૈયાર થયેલા ઈલેક્ટ્રીક વ્હિકલ દોડતા થશે. તે ઉપરાંત અમેરિકાના મેક્સિકો અને પેરૂ જેવા નાના નાના દેશોમાં પણ હાલમાં નવા આઉટલેટ સ્થાપવા માટે મંજુરી માંગવામાં આવી છે. ત્યાં વ્હીકલનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સિવાય આફ્રિકન દેશોમાં પણ રાજ મહેતાએ કંપનીના મંડાણ કર્યાં છે.
 
રાજ મહેતાએ દાદા પાસેથી 8 હજાર રૂપિયાની લોન લઈને શરૂ કરેલો ઓટોમોબાઈલનો બિઝનેસ આજે દેશ વિદેશમાં પહોંચાડ્યો છે. રાજે પોતાની કંપનીની સ્થાપના 15 વર્ષની વયે કરી હતી અને 17 વર્ષની વયે તેણે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ માટેનું લાઇસન્સ પણ મેળવી લીધું હતું.નાની ઉંમરમાં મળતા ખિસ્સા ખર્ચીની કરેલી બચતમાંથી ઇ-સાઇકલ બનાવીને પોતાને પડતી તકલીફ તો દૂર કરી હતી. તેમાં મળેલી સફળતાં બાદ તેણે દિવ્યાંગ તથા પેંડલ રિક્ષાચાલકોની તકલીફો દૂર કરવા ઇ ટ્રાઇસિકલ તેમ જ ઇ-પેંડલ રિક્ષા બનાવી હતી. એ આજે 20 વર્ષની વયે ઇ-સ્કૂટરનું ઉત્પાદન કરે છે.
 
રાજ મહેતાએ સમગ્ર વિશ્વમાં એક રેકોર્ડ કર્યો છે. તેણે વિશ્વમાં સૌથી મોટી ઊંચાઈ પર શો રૂમ સ્થાપ્યો છે. લદ્દાખમાં લેહ વિસ્તારમાં રાજ મહેતાનો શો રૂમ કાર્યરત થયો છે. તે ઉપરાંત તેણે નેપાળમાં બે શો રૂમ શરૂ કર્યાં છે. આ માટે નેપાળની સરકારની પરવાનગી પણ તેને મળી ગઈ છે. આ સિવાય ભારત અને વિશ્વના અન્ય દેશોમાં પણ નવા આયામો ઉભા કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યાં છે. ભારતમાં હાલમાં 16થી 18 રાજયોમાં ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી શરૂ થઈ છે. 
 
આગામી સમયમાં રાજ મહેતા દેશમાં પોતાની કંપનીના 50થી વધુ ટચ પોઈન્ટ શરૂ કરશે. જેમાં કંપનીના એક્સપિરિયન્સ સેન્ટર હશે, બ્રાન્ડ એક્સપિરિયન્સ સ્ટુડિયોઝ હશે. આ સ્ટુડિયોમાં 400 સ્ક્વેર ફૂટના શો રૂમ પણ હશે. તે ઉપરાંત તે કંપનીની ઓર્થોરાઈઝ ડિલરશીપ પણ શરૂ કરશે. રાજ મહેતાનો પ્લાન દેશના ગામડાઓ સુધી પહોંચવાનો છે. રાજ મહેતાએ ગુજરાત સહિતના રાજ્યોમાં પણ એક્સપાન્શન કરવા માટેની તૈયારીઓ રાજ મહેતાએ કરી લીધી છે.