શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 19 માર્ચ 2022 (10:13 IST)

રાજસ્થાનના CM અશોક ગેહલોતના સલાહકારનું ટ્વિટ, વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લઈશું નહીં. પરંતુ જયરાજસિંહ પરમાર અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્મા સહિતના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આટલું જ નહીં તેમની સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયાં છે. ત્યારે હવે ફરીવાર ભાજપમાં મોટો ભરતી મેળો યોજાય તેવી ખુદ કોંગ્રેસના જ નેતાએ શક્યતાઓ દર્શાવી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. તેમના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ શરૂ થઈ ગઈ છે. સંયમ લોઢાએ 18મી માર્ટે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો.લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.


સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.

2020માં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને જૂન 2020માં કોંગ્રેસના તમામ આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.મુખ્યમંત્રી ગહેલોતના સલાહકાર સંયમ લોઢા છેલ્લા કેટલાક દિવસોથી પોતાની જ સરકારની ટીકા કરતા આવ્યા છે. વિધાનસભામાં અનેક વખત સંયમ લોઢાએ કોંગ્રેસની કમીઓ ઉજાગર કરવા સાથે જ મંત્રીઓને પણ આડેહાથ લીધા હતા. હવે કોંગ્રેસને ગુજરાત અંગે સૂચક ચેતવણી આપી છે. અગાઉ જુલાઈ 2020માં સચિન પાયલોટ જૂથના બળવા સમયે પણ રાજસ્થાન કોંગ્રેસમાં તૂટના અણસાર હતા, પરંતુ આખરે બધો મામલો થાળે પડી ગયો.