ગુરુવાર, 25 જુલાઈ 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શુક્રવાર, 21 જૂન 2024 (19:02 IST)

રાજકોટ અગ્નિકાંડઃ SITનો રિપોર્ટ સરકારને સોંપાયો, ત્રણ વિભાગની બેદરકારી બહાર આવી

rajkot fire
રાજકોટ TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ તપાસ માટે સરકારે SITની રચના કરી હતી. હવે તપાસ માટે રચાયેલી SIT તેનો  રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાઈ એવી શક્યતા છે.ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે.
 
ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથી
SITના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે, કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથી. ગેમિંગ ઝોન માટે પાકું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતા એની સામે આંખ આડે કાન કરી લીધા હતા. રહેણાક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હતી છતાં એને અટકાવવાના પ્રયત્નો થયા નથી. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદે બિલ્ડિંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મૂકીને ગંભીર બેદરકારી દાખવી છે.ફાયરના અધિકારીઓએ એકપણ વખત કોઇ મુલાકાત લીધી નથી. 
 
સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ બેદરકારી દાખવી
SITએ તેના રિપોર્ટમાં મુખ્યત્વે 3 વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઇ બેદરકારી છે એ અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી હતી. જેમા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન પર સ્થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાંવનારું તારણ રજૂ કર્યુ હતું. જ્યારે કોઇ સ્થળ પર વિશાળ સમુદાય એકત્ર થતો હોય ત્યારે એવા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે માર્ગ-મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે. TRP ગેમિંગ ઝોન માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરે સ્થળ તપાસ પણ નહોતી કરી. સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી.
 
પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં
ફાયર એનઓસીની તપાસ જવાબદાર બે પોલીસ-ઇન્સપેકટરે કરી જ નથી. વીજ કંપની પાસેથી કોઇ મંજૂરી કે અભિપ્રાય લેવાયો નથી.પોલીસે સ્થળ પર કોઇ જ જાતની તપાસ કર્યા વગર લાઇસન્સ જારી કરી દીધું હતું. પોલીસ વિભાગે જાહેર અને વિશાળ સમુદાય ભેગો થતો હોય ત્યારે સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવી પડે છે અને ચકાસણી કર્યા પછી લાઈસન્સ આપવાનું હોય છે, પરતું પોલીસ અધિકારીઓ સ્થળ પર ગયા વિના અને કોઇ નિયમોની ચકાસણી વગર લાઈસન્સ આપી દીધું હતું. પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં.