મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : મંગળવાર, 28 માર્ચ 2023 (18:18 IST)

રાજકોટમાં યોજાયો હસ્તકલા મેળો, થરાદના વિષ્ણુભાઈએ તૈયાર કરેલ પાકિસ્તાની એપ્લિકવર્કની સાડીઓ લોકોએ વખાણી

Rajkot fair
ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ - હસ્તકલાના કલા-કારીગરોને યોગ્ય માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂં પાડવાના આશયથી તા. 26 થી 28 માર્ચ દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે ત્રિદિવસીય "હસ્તકલા હાટ"નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેળામાં 50થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટી કામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનના એપ્લિકવર્કનો સ્ટોલ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 
rajkot fair
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયેલ આ હાટમાં મુળ થરાદના વિષ્ણુંભાઈનો પણ સ્ટોલ હતો. 1971માં પાકિસ્તાનથી ભારત આવેલા ગેનાજી સુથારના પુત્ર વિષ્ણુભાઈ સુથાર આજે તેમની કલામાં અવનવાં સંશોધન કરીને 22 ગામની 300થી વધુ મહિલાઓને ઘેરબેઠાં રોજગારી આપે છે. હાલમાં તેઓ પોતાના ઘરમાં જ સાડીઓથી માંડીને ગાલીચા, પડદા, ઓશીકાંનાં કવર, ચાદર જેવી વસ્તુઓ બનાવી રહ્યા છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી સાડીઓ બોલિવૂડની અભિનેત્રીઓ પહેરી ચૂકી છે. તેઓ આ ધંધામાં વર્ષે 20 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર કરી રહ્યા છે. લોકડાઉનના સમયગાળામાં તેમણે સૌથી મોટું ટર્નઓવર કર્યું હતું. 
rajkot fair
વિષ્ણુભાઈએ વેબદુનિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગેનાજી સુથાર પાકિસ્તાનના નગરપારકરથી 1971માં પહેલાં રાજસ્થાનના બાડમેર અને પછી બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને વસ્યા હતા. પાકિસ્તાનથી એક એવી કારીગરી પણ સાથે લઈને આવ્યા, જેમાં તેમના પુત્ર વિષ્ણુભાઈ સુથારે પરિવર્તન લાવી પોતાની આ પારંપરિક કારીગરીને દેશભરમાં પ્રખ્યાત કરી છે. વિષ્ણુભાઈ સુથાર જણાવે છે કે “અમે જે કામ કરીએ છીએ એને ‘એપ્લિક વર્ક’ કહેવાય છે, જે પાકિસ્તાનમાં તો છે, પરંતુ સમગ્ર ભારતમાં ફક્ત અમારી પાસે જ છે. અમે ભારતમાં આવ્યા તેનાં 40 વર્ષ સુધી અને એ પહેલાંના સમયથી ગાલીચા, પડદા, ઓશીકાંનાં કવર, ચાદર વગેરે બનાવતા હતા.
 
વિષ્ણુંભાઈએ કહ્યું કે, તેઓ પ્રોડક્ટ તૈયાર કરવા માટે કાપડ લાવીને તેના પર ડિઝાઇન છાપે છે. ત્યારબાદ લાકડાના પાટ પર હથોડી અને છીણીના ઉપયોગથી કટ કરે છે. આ કાપેલા કાપડના નીચે એક બીજું કાપડ મૂકીને ઉપરના કાપડને વાળીને ટાંકા લેવામાં આવે છે અને છેલ્લે તે તૈયાર થાય છે. ટાંકા લેવાની ટ્રેનિંગ વિષ્ણુભાઈ દ્વારા જે તે ગામની મહિલાઓને તેમના ઘરે જઈને જ આપવામાં આવે છે. વિષ્ણુભાઈ જણાવે છે કે, તેમની આ કારીગરીથી પ્રભાવિત થઈને સુનિલ દત્તના પુત્રી તથા સંજય દત્તના બહેન દિવ્યા દત્તે તેમને પોતાના ઘરે બોલાવી વિવિધ વસ્તુઓ બનાવડાવી હતી.
 
તેમણે કહ્યું હતું કે, કોરોનાના સમયમાં શરૂઆતમાં આજીવિકામાં અસર થઇ હતી. પરંતુ, ગુજરાત સરકારના એમ્પોરિયમ માટેના એકમ ગરવી ગુર્જરીનું પણ સારું એવું યોગદાન રહ્યું અને તે બંનેએ ખુબ સપોર્ટ કર્યો અને તે કપરા કાળમાં પણ અમારો જેટલો પણ માલ બન્યો તેટલો માલ તેમણે ખરીદી લીધો. વિષ્ણુભાઈ દ્વારા નિર્મિત સાડીનો ભાવ 5 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો છે, જ્યારે ડ્રેસનો ભાવ 2 હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો છે. તેમણે પોતાનો એક ડ્રેસ રેડ મુવીના ડિઝાઇનરને આપ્યો હતો જે ફિલ્મની હિરોઈન ઇલિયાના ડી ક્રુઝે એક ગીતમાં પહેરેલો પણ દેખાય છે.