બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રાજકોટ. , શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (08:47 IST)

રાજકોટ - બોયફ્રેન્ડ સાથે મળી પોળમાં જ રહેતી યુવતીએ કરી 6 લાખની લૂંટ

શહેરમાં થોડા દિવસ પહેલા મુળ કેશોદની છાત્રાએ દોઢસો ફુટ રીંગ રોડ પર જોલી પેલેસમાં મોચી વૃધ્ધાના ઘરમાં ઘુસી તેમના પર છરી-પાઇપથી હુમલો કરી ચેઇનની લૂંટ ચલાવી હતી. ત્યાં વધુ એક ઘટનામાં ગત સાંજે સવા પાંચથી સાડા પાંચની વચ્ચે રૈયા રોડ પર શિવાજી પાર્ક સામે આવેલા હરિપાર્કમાં રહેતાં એડવોકેટ મહેન્દ્રભાઇ પૂજારાના ઘરમાં તેમના 73 વર્ષિય પત્નિ સરયુબેન પૂજારા એકલા હોઇ ઘર નજીક જ રહેતી બ્રાહ્મણ યુવતિ કરિશ્મા ભટ્ટે તેના બોયફ્રેન્ડ અર્જૂન રાજેન્દ્રભાઇ રાવલ સાથે મળી મોઢે બૂકાની બાંધી ઘુસી જઇ સરયુબેનને પછાડી દઇ મોઢે ડુચો દઇ દોરીથી હાથ બાંધી દઇ બાથરૂમમાં પુરી દીધા બાદ કબાટમાંથી રૂ. 6,50,000ની રોકડની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. લૂંટ ચલાવી ભાગી છૂટેલા બંનેને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે.


 લૂંટની ઘટનામાં સામેલ કરિશ્મા ભટ્ટ અને બોયફ્રેન્ડ અર્જૂન રાવલને શોધવા તેના પરિવારજનો અને પોલીસે દોડધામ શરૂ કરી છે. દરમિયાન આજે સવારે અર્જૂને પિતા રાજેન્દ્રભાઇ રાવલને અન્ય કોઇના ફોનમાંથી ફોન કરીને પોતે અને કરીશ્મા લીંબડી તરફ હોવાની વાત કરી હતી. પિતાએ પૈસા બાબતે પુછતાં તેણે એ વાત કબુલી હતી કે કરિશ્મા સાથે મળીને સરયુબેન પૂજારાના ઘરમાંથી રૂ. 6 લાખ લઇ ગયા છે.  કરિશ્મા આત્મીયમાં અભ્યાસ કરે છે અને અર્જૂન પણ આર.કે. કોલેજમાં અભ્યાસ કરે છે. કોઇપણ કારણે આર્થિક ભીંસમાં આવી જતાં બંનેએ સાથે મળી લૂંટ કર્યાનું બહાર આવ્યું છે. બંને ઓળખાઇ ન જાય તે માટે બુકાની બાંધીને ગયા હતાં. પરંતુ વૃધ્ધા સરયુબેન હિમ્મતભેર સામનો કરી ઝપાઝપી કરતાં કરિશ્માની બૂકાની છૂટી ગઇ હતી અને તે ઓળખાઇ ગઇ હતી.